ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં એશિયાઈ સિંહનો વસવાટ છે અને આ એશિયાઈ સિંહ ઘણી વાર રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા જોવા મળે છે, પરંતુ રેલવે વિભાગે પણ લોકો પાયલટને સૂચના આપી છે કે, જયારે જયારે સિંહ રેલવે ટ્રેક પર દેખાય તો ટ્રેન તરત થોભાવી દેવી અને સિંહ નીકળે પછી જ ટ્રેન ચાલું કરવી. ત્યારે ભાવનગર ડિવિઝન મંડળમાં આવતી ટ્રેનોના લોકો પાયલેટ વર્ષ 2025માં 10 કરતા વધુ સિંહના જીવ બચાવ્યા છે.


25.01.2025ના રોજ પણ બચાવ્યા સિંહ

25.01.2025 (શનિવાર)ના રોજ સાવરકુંડલા-ગાધકડા સેક્શનમાં કિમી સં. 63/4-63/6 વચ્ચે લોકો પાયલટ જીતેન્દ્ર પાંચાલ અને સહાયક લોકો પાયલટ રામસેવક કુમાર દ્વારા રેલવે ટ્રેક પર 02 શાવક જોવા મળતાં તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને અટકાવી દેવામાં આવી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર હિમાઁશુ શર્મા અને જીતુભાઈ દ્વારા ટ્રેક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલોટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.

26.01.2025ના રોજ પણ બચાવ્યા સિંહ

26.01.2025 (રવિવાર) ના રોજ, લોકો પાયલોટ રાજેશ કુમાર એચ સિંહને વિજપડી-ગાધકડા સેક્શનમાં કિ.મી. 82/0-81/9 ની વચ્ચે રેલ્વે ટ્રેક પર 02 સિંહો જોવા મળતાં તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને રોકી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક સાફ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ, જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલોટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલોટના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

19.03.2025ના રોજ સિંહણ બચાવી

19.03.2025 (બુધવાર)ના રોજ લોકો પાયલોટ સંતોષ કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ ભરત શર્મા દ્વારા ચલાળા-ધારી સેક્શનમાં કિ.મી. સં. 51/0-51/1 વચ્ચે રેલવે ટ્રેક પર 02 સિંહણને બેઠેલી જોતા ટ્રેન નંબર 52930 અમરેલી-વેરાવળ પેસેન્જર ટ્રેનને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

24.03.2025ના રોજ સિંહને બચાવ્યો

24.03.2025 (સોમવાર)ના રોજ લોકો પાયલોટ ચંદન કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) અને વરિષ્ઠ સહાયક લોકો પાયલટ રઠોર કેતન (મુખ્યાલય-જૂનાગઢ) દ્વારા સાસણ ગીર- કાંસિયાનેશ સેક્શનમાં કિ.મી. સં. 114/4-114/3 વચ્ચે રેલવે ટ્રેક પર 01 સિંહને ચાલતા જોતા ટ્રેન નંબર 52951 દેલવાડા-જૂનાગઢ પેસેન્જર ટ્રેનને તરતજ ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી.ફોરેસ્ટ ટ્રેકર રાજેશ રાઠૌર દ્વારા ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાયલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

13-05-2025ના રોજ સિંહને બચાવ્યો

13-05-2025 (મંગળવાર) ના રોજ, લોકો પાયલટ મકવાણા આશિષ ભાઈ (મુખ્ય મથક-બોટાદ) અને સહાયક લોકો પાયલટ સતીશ કુમાર ગુર્જર (મુખ્ય મથક-બોટાદ) દ્વારા રાજુલા નજીક કિ.મી. નં. ૦૩/૧૪-૦૩/૧૫ ની વચ્ચે, એક સિંહ રેલવે ટ્રેક ઓળંગતો જોવા મળ્યો અને માલગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી. રાજુલા જંકશનથી લોકો પાઇલટ્સને સિંહોની હિલચાલ અંગે ચેતવણીના આદેશો આપવામાં આવ્યા હતા. લોકો પાઇલટે ટ્રેન મેનેજર (ગાર્ડ) ને જાણ કરી. ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો. ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય થઈ ગઈ, ત્યારે ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકરે લોકો પાઇલટને ત્યાંથી જવા કહ્યું. ત્યારબાદ લોકો પાઇલટ દ્વારા ટ્રેનને કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી. માહિતી મળતાં, ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓએ લોકો પાઇલટ્સના પ્રશંસનીય કાર્ય બદલ પ્રશંસા કરી.

6.06.2025ના રોજ એક સિંહને બચાવ્યો

આ નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કુલ 10 કરતા વધુ સિંહોને બચાવી લેવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે 06.06.2025 (શુક્રવાર) ના રોજ, લોકો પાયલટ લોકેશ નાયક (મુખ્ય મથક-બોટાદ) અને સહાયક લોકો પાયલટ બિપિન કુમાર (મુખ્ય મથક-બોટાદ) દ્વારા સાવરકુંડલા-લીલીયા મોટા સેક્શન વચ્ચે કિ.મી. નં. 40/9 પર એક સિંહ રેલવે ટ્રેક પર બેઠલો જોવા મળ્યો અને માલગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી.

4.08.2025ના રોજ એક સિંહને બચાવ્યો

4.8.2025 (સોમવાર) ના રોજ લોકો પાયલટ શ્રી બલિરામ કુમાર (મુખ્યાલય – જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ હરદીપ ગરલા (મુખ્યાલય – જૂનાગઢ) દ્વારા જૂનાગઢ-વેરાવળ મીટરગેજ સેક્શન વચ્ચે કિમી નં. 11/01 થી 11/02 વચ્ચે ચાર સિંહો (એક સિંહ, એક સિંહણ અને તેમનાં ત્રણ બચ્ચાં)ને રેલવે ટ્રેક પર સૂતાં જોયા હતા તો તત્કાળ લોકો પાયલટે જૂનાગઢથી વેરાવળ તરફ જતી પેસેન્જર ટ્રેન (52946) ને ઇમર્જન્સી બ્રેક લગાવીને રોકી દીધી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી. બાદમાં ફોરેસ્ટ ટ્રેકરે આવીને સિંહોને ટ્રેક પરથી દૂર હટાવ્યા અને તમામ સ્થિતિ સામાન્ય હોવાનું નિરીક્ષણ કર્યા પછી લોકો પાયલટને ટ્રેન આગળ ચલાવવાની મંજૂરી આપી.

લોકો પાયલોટને અપાઈ છે સ્પેશિયલ સૂચના

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. રેલવે ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો જારી કરવામાં આવે છે. રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : Surat News : સુરતથી ઉડાન ભરતી Indigoની વધુ 3 ફલાઈટ રદ, બેંગલુરુ-સુરત, સુરત-ગોવાની ફ્લાઇટ ત્રીજા દિવસે રદ થતા મુસાફરો રઝળી પડયા



  • Follow us on: