ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાતને હજુ ગણતરીના કલાકો જ થયા છે, તેની વચ્ચે ફરી એક વખત પાકિસ્તાને તેની ઓકાત બતાવી દીધી છે અને જમ્મુ કાશ્મીર સહિત બોર્ડર પરના વિસ્તારોમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. ત્યારે કચ્છ સરહદે પણ ફરી ડ્રોન જોવા મળ્યા છે. કચ્છમાં 3 જેટલા ડ્રોન ઉડતા જોવા મળ્યા છે. કચ્છના હરામીનાળા સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા છે. હાલમાં ડ્રોન દેખાયા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી જાણકારી
કચ્છમાં ડ્રોન દેખાયા બાદ ફરી એક વાર બ્લેકઆઉટ જાહેર કરાયું છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે જાણકારી આપી છે અને લોકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે.
પાકિસ્તાને 4 કલાકમાં યુદ્ધવિરામનો કર્યો ભંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો હતો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર 4 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકોમાં જ પાકિસ્તાને ફરી પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. પાકિસ્તાને LoC પર ગોળીબાર કર્યો છે, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાને જમ્મુના ઘણા વિસ્તારોમાં ગોળીબાર કર્યો. પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો. પાકિસ્તાને ઉધમપુર, અખનૂર, નૌશેરા, પૂંછ, રાજૌરી, મેંધર, જમ્મુ, સુંદરબની, આરએસ પુરા, અરનિયા અને કઠુઆના વિસ્તારોમાં ભારે ગોળીબાર શરૂ કર્યો.
ઉદ્રમપુરમાં ડ્રોન હુમલો
યુદ્ધવિરામ પછી પણ પાકિસ્તાન પોતાની આદતો છોડી રહ્યું નથી. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ડ્રોન હુમલાના સમાચાર છે. ગુજરાતના કચ્છ સરહદ પર ખાવડા નજીક ડ્રોન જોવા મળ્યા છે.
પઠાણકોટમાં પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા
પંજાબના પઠાણકોટમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ અંધારપટ થઈ ગયો છે. જોકે અત્યાર સુધી કોઈ વિસ્ફોટનો અવાજ સંભળાયો નથી, પરંતુ હવાઈ હુમલાની ચેતવણીના સાયરન એક્ટિવ થઈ ગયા છે.