ગુજરાતમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત થવાની ઘટના સામે આવી છે. એક સપ્તાહની અંદર 4 પોલીસકર્મીઓના મોત નિપજયા. જેમાં 3 પોલીસકર્મીના હાર્ટએટેક અને એક પોલીસકર્મીનું બીમારીના કારણે મોત થયું. હાલમાં અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિજય પાંડવનું મોત નિપજવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. વિજય પાંડવ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. દરમિયાન બીમારીને પગલે વિજય પાંડવનું મોત થતા પરીવારમાં શોકનો માહોલ છવાયો.
- કોન્સ્ટેબલ અર્જુનસિંહનું હાર્ટએટેકથી મોત
- પીઆઈ.આર.એલ ખરાડીનું હાર્ટએટેકથી મોત
- ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ નરેશનું હાર્ટએટેકથી મોત
- અને આજે વિજય પાંડવનું બીમારીથી મોત
હાર્ટએટેકથી મોતના કિસ્સામાં વધારો
રાજ્યમાં સપ્તાહની અંદર 3 પોલીસ કર્મચારીઓના હાર્ટએટેકના કારણે મોત નિપજયા. આ ઘટનાઓ બાદ વધુ એક વખત હાર્ટએટેક શબ્દ લોકો માટે ભય પેદા કરવા લાગ્યો છે. કોરોના બાદથી હાર્ટએટેકથી મોતના કિસ્સામાં વધારો થયો છે. આ સપ્તાહમાં અમદાવાદના ગોમતીપુરમાં હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટએટેકથી મોત નિપજયું હતું. અર્જુનસિંહને પરેડ વખતે છાતીમાં અચાનક દુઃખાવો ઉપડતા હાજર પોલીસકર્મીઓએ સીપીઆર આપી બચાવવા પ્રયાસ કર્યો છતાં અસફળતા મળી અને પોલીસકર્મીનું મોત નિપજયું.અન્ય એક બનાવમાં ડીજી ઓફિસમાં પીઆઈ આર.એલ.ખરાડી ફરજ પર હતા ત્યારે હાર્ટએટેકના હુમલાનો ભોગ બન્યા. ડીજીને સારવાર મળે તે પહેલા જ ઓફિસમાં જ પીઆઈનું નિધન થયું.
વધતા તણાવ અને માનસિક ત્રાસ હાર્ટએટેકનું સંભવિત કારણ
રાજ્યના પોલીસ વિભાગમાં હાર્ટએટેકના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશનું હાર્ટએટેકના કારણે મોત નિપજયું. જ્યારે આજે વધુ એક પોલીસકર્મી વિજય પાંડવના મોત સમાચાર સામે આવતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ. 4માંથી ત્રણ પોલીસ કર્મીઓ હૃદયરોગના હુમલાનો શિકાર બન્યા. વધુ પડતો કામનો તણાવ તેમજ પોલીસ વિભાગમાં ફરજ પર હાજર રહેવામાં અપાતી જવાબદારીના કારણે પોલીસકર્મીઓની જીવનશૈલીમાં અનિયમિતતા જોવા મળે છે. હાર્ટએટેકના સંભવિત કારણોમાં કામનો બોજ અને માનસિક તણાવ હોવાનું સામે આવ્યું છે. પોલીસ વિભાગે પણ હવે પોતાના કર્મચારીઓના કામના કલાકોને લઈને વિચારણા હાથ ધરવી પડશે.