બોટાદ જિલ્લા કલેકટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરે ચોમાસા દરમિયાન રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, શહેરના જે વોર્ડમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉદ્દભવે છે ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ગટર, કેનાલ સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


પ્રિ-મોન્સૂનની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી

આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ્સ વરસાદના લીધે પડે નહીં અને જો પડે તેમ હોય તો ઉતારવાની વ્યવસ્થા, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોની સર્વે યાદી, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી- મોન્સૂન ઈન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, ચોમાસામાં ઈન્સ્પેકશન અને મોનિટરીંગ, દુર્ઘટના રિપોર્ટ સબમિટ કરવા, ગામડાઓમા આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વીજળી, દવા સહિતની સુવિધાઓ અંગે તેમજ ખાસ કરીને વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યારે રેસ્ક્યુ માટે સજ્જ બનવા, તબીબી અને પેરામેડિકલ સ્ટાફ, કેટલાક રસ્તા, નાળાઓ, નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરવા અંગે પણ કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

બોટાદ જિલ્લાના અધિકારીઓ રહ્યાં હાજર

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ ઈમર્જન્સી સહિતની સેવાઓ, દવાનો જથ્થો, કંટ્રોલરૂમ સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ પુર, ભારે વરસાદ, વાવાઝોડના સંજોગોમાં તકેદારીના તમામ પગલાઓ લઈ, લોકોનું સમયસર સ્થળાંતર થાય જેથી દુર્ઘટનાઓ નિવારી શકાય તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત,નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ભાર્ગવભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: