દર વર્ષે 16મી મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૫માં આ રોગની નાબૂદી માટે "Check, Clean,Cover: Steps to defeat Dengue". Theme for National Dengue Day - 16th May 2025 (તપાસો, સાફ કરો, ઢાંકો: ડેન્ગ્યુને હરાવવાનાં પગલાં".) થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્ય સાથે બોટાદ જિલ્લામાં સઘન કામગીરી કરવામાં આવી છે.


મચ્છર ઉત્પત્તિનાં સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે

ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં સાંધા તથા માંસ પેશીઓમાં દુઃખાવો,સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુઃખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, ગભરામણ થવી,નાક, મોં તેમજ પેઢા માંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઈ શકે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.આવાં લક્ષણો ને લોકો સામન્ય ગણી કાઢે છે જે લાંબા ગાળા માટે હાનિકારક બની શકે છે જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરીને લોકો ને સમજ આપી મચ્છર ઉત્પત્તિનાં સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.

ડેન્ગ્યુ અટકાવવા માટે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો

ઘરની આસપાસ, અંદર કે બહાર પાણી ભેગું ન થવા દો. ઘરમાં પાણી સ્ટોર કરતા વાસણને રોજ સાફ કરીને ભરી દો.કૂલરનું પાણી 1-2 દિવસમાં સાફ કરીને બદલવું. અઠવાડિયામાં એકવાર ફ્રિજ સાફ કરો. એમાં રાખેલી પાણીની ટ્રે નિયમિત ખાલી કરી સાફ કરો. જે વાસણમાં પાલતું પ્રાણીને પાણી આપવામાં આવે એને સ્વચ્છ રાખો. છત પરની પાણીની ટાંકીને ઢાંકીને રાખો. બગીચાને સ્વચ્છ રાખો અને વાસણોમાં પાણી એકઠું થવા દેશો નહીં. સાંજના સમયે ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દો.

પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી હવા ચુસ્ત ઢાંકવું અથવા કપડાથી બાંધી દેવું

સંગ્રહ કરેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાનો નાશ કરવો અને મચ્છરના ઈંડાના નાશ માટે વાસણના તળીયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીનાં મોટા હોજ અને ટાકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાંખવી હિતાવહ છે શરીરના અંગોને ઢાંકી રાખો તેવા વસ્ત્રો પહેરો અને દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવો મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવો.

ડેન્ગ્યૂના પ્રસારને રોકી શકીએ છીએ અને સુરક્ષિત રહી શકીએ છીએ

ડેન્ગ્યુ માટે કોઈ ખાસ એન્ટીવાયરલ દવા નથી, પરંતુ તાવ જણાઈ તો સારવાર માટે પેરાસીટામોલ ગોળી (Paracetamol) આરોગ્ય કર્મચારી કે ડોકટરની સલાહ મુજબ લેવી. તેમજ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી ખોરાક જેવો કે ORS, લીંબુ સરબત, મોસંબી રસ, નાળીયેરનું પાણી, લેવું હિતાવહ છે. ગંભીર પરિસ્થિતિ જણાઈ તો હોસ્પિટલ/દવાખાનામાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. જો તમને ડેન્ગ્યૂના લક્ષણો જણાય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો સ્થાનિક આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરો. આ માહિતીનો ઉપયોગ કરીને, આપણે ડેન્ગ્યૂના પ્રસારને રોકી શકીએ છીએ અને સુરક્ષિત રહી શકીએ છીએ. 

  • Follow us on: