મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૨મી મેના રોજ યોજાશે, અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે.
દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૨૦૨૫ના મે મહિનાનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨મી મેના દિવસે યોજાશે. મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સીએમ રૂબરૂમાં પણ નાગરિકોની રજૂઆત સાંભળશે
આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સામાન્ય નાગરિકો, અરજદારો ગુરૂવાર, તા. ૨૨મી મેના સવારે ૮-૦૦થી ૧૧-૦૦ સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં બપોર બાદ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.