- ગિરનારની ગોદમાં થાય છે લીલી પરિક્રમા
- 36 કિ.મી.ના પરિક્રમા પથ પર વહીવટી તંત્ર ખડેપગે
- શ્રદ્ધાળુઓએ તંત્રની કામગીરીને બિરદાવી
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં 12.25 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે અને ગત વર્ષના મુસાફરોની સંખ્યાના રેકોર્ડને ભાવિકોએ તોડી નાખ્યો છે.
પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થયાને આજે ત્રીજો દિવસ છે ત્યારે અત્યાર સુધીમાં 12,25,000 ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને હજુ પણ પરિક્રમા રૂટ ઉપર 1.50 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકો મોટી સંખ્યામાં પ્રકૃતિની સાથે ભક્તિના સમાગમ એવી આ અદ્ભુત યાત્રાના સહયાત્રી થવા માટે ઉમટી પડ્યા છે અને હજુ પણ ભાવિકોનો પ્રવાહ અવિરત શરૂ જ છે, ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ ભાવિકોએ ગિરનારની લીલી પરિક્રમાનો લાભ લીધો હતો.
36 kmની ગિરનારની આ પરિક્રમા દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ ભાવિકોને ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઉભી કરી દીધાનો આનંદ જોવા મળ્યો હતો પરિક્રમાના રૂટ ઉપર જમવાથી લઈને પીવાના પાણી તેમજ શૌચાલય સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. યાત્રાળુઓએ જો કે કહ્યું હતું કે રૂટ પર અમુક જગ્યાએ જો કે થોડી ગંદકીનું પ્રમાણ જોવા મળ્યું હતું પરંતુ તેમ છતાં એકંદરે લોકો વહીવટીતંત્રની વ્યવસ્થાથી સંતુષ્ટ જણાઈ રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ વહીવટી તંત્રે જે કામગીરી કરી છે તેની સરાહના પણ કરી હતી.
જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા વિધિવત રીતે શરૂ થયેલી જોવા મળી હતી. પાછલા ત્રણ વર્ષ દરમિયાન પરિક્રમા બિલકુલ પ્રતિકાત્મક રીતે કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે સંપૂર્ણપણે આયોજિત થતી પરિક્રમાને લઈને પરિક્રમાર્થીઓ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ગિરનારની લીલી પરિક્રમાનો લાહ્વો મેળવીને ગિરનારની સાથે ગુરુદત્ત મહારાજની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. ગિરનારની લીલી પરિક્રમાને ધર્મ અને પુણ્યના ભાથા સાથે પણ સરખાવવામાં આવે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થતો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે.
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પારંપરિક રીતે સૌરાષ્ટ્રના અને ગુજરાતના લોકો કરતા હોય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ ખાસ કરીને યુવાનો અને અન્ય રાજ્યના પરિક્રમાર્થીઓની સંખ્યા પણ ખૂબ જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને વધુ ઉત્સાહ જોવા મળે છે. સાથે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં પરિક્રમાથીઓ પરિક્રમા કરવા માટે ગિરનાર ક્ષેત્રમાં આવતા હોય છે. પરિક્રમાને લઈને પોલીસ પણ પોતાની ફરજ ઉપર પહોંચી ચુકી છે. પરિક્રમામાં દર વર્ષ 8થી 9 લાખ જેટલા યાત્રિકો 5 દિવસ માટે અહીં આવતા હોય છે. તેઓની સુરક્ષા માટે ગિરનાર પરિક્રમાને 6 ઝોનમાં વહેંચવામાં આવેલ છે જેમાં 8 ડીવાયએસપી, 18 પીઆઇ, 110 પીએસઆઇ સહિત કુલ 136 પોલીસ ઉપરાંત 136 પોલીસ જવાનો, 1726 હોમગાર્ડ, 435 જીઆઇડી, 660 કર્મીઓ સહિત કુલ 2841 કર્મીઓ સાથે પોલીસ તૈનાત રહેશે.