રાજકોટ જિલ્લાના ધોરાજીનાં વર્ષ ૨૦૨૩ના દુષ્કર્મ અને પોકસોનાં કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો હોવાનું સામે આવ્યું છે.જેમાં આરોપી તરફે રોકાયેલ એડવોકેટની દલીલો અને રજૂ રાખેલ ચુકાદાઓને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી હુકમ ફરમાવા આવ્યો છે.


આરોપી નિર્દોષ છૂટી ગયો

ધોરાજી શહેરમાં વર્ષ-૨૦૨૩ માં આરોપી કાળુ ઉર્ફે શકિત બીજલભાઈ ઠાકોર વિરૂધ્ધ દુષ્કર્મ, પોકસો અને છરી બતાવી ધાક ધમકી આપવાની ફરીયાદ નોંધાતા, ધોરાજી પોલીસે આરોપી કાળુ ઉર્ફે શકિત બીજલભાઈ ઠાકોરની અટક કરી તેના વિરૂધ્ધ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ધોરાજી સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતાં ધોરાજીનાં એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આરોપી કાળુ ઉર્ફે શકિત બીજલભાઈ ઠાકોર હતો

આ બનાવની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદીની સગીર વયની દિકરી ભોગ બનનારને આરોપી કાળુ ઉર્ફે શકિત બીજલભાઈ ઠાકોરે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગ બનનાર સાથે અવાર નવાર દુષ્કર્મ આચરેલ, જે અંગેની જાણ ઘરમાં થઈ જતા આરોપી કાળુ ઉર્ફે શકિતએ ભોગ બનનારની માતા અને પિતાને છરી બતાવી ધાક ધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ. ફરીયાદીએ ભોગ બનનારની જન્મ તારીખ બાબતે સ્કૂલ લિવિંગ સર્ટિફીકેટ રજુ રખાયેલ અને ભોગ બનનારની જન્મ તારીઅ વિવાદીત થયેલ અને પુરાવામાં ભોગ બનનારની માતા ફરીયાદીએ ભોગ બનનારનું જન્મ સ્થળ અને તારીખ જણાવેલ તે જગ્યાનાં ગ્રામ પંચાયતનાં જે તે વર્ષનાં તથા આજુ બાજુનાં વર્ષનાં જીવીત જન્મ રજીસ્ટરનાં ઉતારાની નકલો મેળવી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

ભોગ બનનારની જન્મની નોંધ કોઈ જગ્યાએ થઈ ન હતી

જે જન્મ રજીસ્ટરનાં ઉતારામાં ભોગ બનનારની જન્મની નોંધ કોઈ જગ્યાએ થયેલ ના હોય, જે અંગેની તમામ દલીલો અને અલગ અલગ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાઓ આરોપીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર તરફથી રજુ કરાયેલ અને દલીલોનાં અંતે ધોરાજીનાં મહેરબાન એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.એમ. શેખ દ્વારા આરોપી કાળુ ઉર્ફે શકિત બીજલભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી તરફે તાલુકા કાનુની સેવા સમિતિ-ધોરાજીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.

 

  • Follow us on: