આ કમોસમી વરસાદને કારણે ખેતીપાકોને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યનાં ખેડૂત મિત્રોને આગોતરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાદળછાયા વાતાવરણ અને અચાનક પડતાં વરસાદને ધ્યાને લઈ ખેતરમાં કાપણી કરેલ અથવા તૈયાર હાલતમાં રહેલાં પાક જો ખુલ્લા સ્થળે રાખેલા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રી વડે યોગ્ય રીતે ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી છે.
કૃષિ ઉપજ બજાર સમિતિના વેપારીઓએ વિશેષ કાળજી રાખવી
ઉપરાંત પાકનાં ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ તથા ખાતરનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે તેમજ ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે રીતે સુરક્ષિત સ્થળે સંગ્રહિત રાખવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે કૃષિ ઉપજ બજાર સમિતિ (એ.પી.એમ.સી.) માં વેપારી તથા ખેડૂત મિત્રોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
