છેલ્લા 7 વર્ષથી 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતા નાગજીભાઈ 110 વીઘા જમીનમાં ગોલ્ડન સીતાફળ, ગુલાબી જામફળ અને લીંબુનું વાવેતર કરી રહ્યા છે, આટલું જ નહીં, બોટાદ ઉપરાંત અમદાવાદ,સુરત, મોરબી સહિતના શહેરોમાં પ્રાકૃતિક રીતે ઉગેડેલા ગોલ્ડન સીતાફળનું વેચાણ કરી રહ્યા છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને એક જનઆંદોલન બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે. રાજ્યના દરેક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રોત્સાહિત કરવા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વર્ષ પ્રતિ વર્ષ વધતો જાય છે. ત્યારે આજે મળીએ બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત નાગજીભાઈને.

પર્યાવરણમિત્ર અને ખર્ચબચત પદ્ધતિનો સરવાળો એટલે પ્રાકૃતિક કૃષિ

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અનેક પ્રગતિશીલ ખેડૂતો યોગદાન આપી રહ્યા છે. તેમાં નાગજીભાઈ મોરડીયા પણ મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. નાગજીભાઈ મોરડીયાએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હું 2017થી પ્રાકૃતિક ખેતી કરું છું. તેમજ 300 વીઘા જમીનમાં બાગાયત ખેતી કરું છું. જેમાંથી 110 વીઘા જમીનમાં ગોલ્ડન સીતાફળ, ગુલાબી જામફળ અને લીંબુનું વાવેતર કરું છું.મારી વાડીના ગોલ્ડન સીતાફળ તો રાજ્યના અનેક મોટા શહેરો સુધી વેચાણઅર્થે જાય છે.”

વર્ષ 2001માં મને 'સજીવ ખેતી' અંતર્ગત સરદાર પટેલ કૃષિ એવોર્ડ પ્રાપ્ત થયો છે

ધરતીપુત્રએ વધુ જણાવ્યું હતું કે, “પ્રાકૃતિક કૃષિ કરવાથી મળતા ઉત્પાદનમાં સારી ગુણવત્તા અને કુદરતી મીઠાશ છે. જ્યારે હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે ઉત્પાદન પણ ઓછું મળતું હતું અને ખર્ચ પણ વધુ થતો હતો. જમીનને તો નુકસાન થતું જ હતું પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય અને પણ નુકસાન થતું હતું. જ્યારે હવે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખૂબ ફાયદાઓ થઈ રહ્યા છે.”ખેતી ક્ષેત્રે પ્રાપ્ત થયેલી અનન્ય સિદ્ધિ અંગે તેમણે જણાવ્યું હતું કે, “જો આપણે ધરતી માતાને ઝેરમુક્ત કરવી હોય તો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવી જ પડશે. તો જ જમીન અને જન સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીશું. આથી મેં રાસાયણિક ખેતી છોડીને બાગાયત અને પ્રાકૃતિક કૃષિ અપનાવી હતી. જેમાં બાગાયત ખાતા દ્વારા મને પેક હાઉસની સહાય મળવા પાત્ર થઈ છે. તેમજ પ્લાન્ટની સબસિડી પણ બાગાયત વિભાગ તરફથી મળી છે. વર્ષ 2001માં મને 'સજીવ ખેતી' અંતર્ગત સરદાર પટેલ કૃષિ એવોર્ડ પ્રાપ્ત થયો છે.”

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે

ખેડૂતોને સંદેશ આપતા નાગજીભાઈએ જણાવ્યું હતું કે, “મારા તમામ ખેડૂત ભાઈઓને મારે એક જ વાત કહેવી છે કે, રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવો. જમીન અને જનઆરોગ્ય માટે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાય છે.”ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં પરંપરાગત મેળાઓ, કૃષિ મેળાઓ સહિત અન્ય આયોજનો થકી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપવામાં આવી રહી છે.બોટાદ જિલ્લામાં પણ મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે જિલ્લા કલેક્ટર સતત કાર્યબદ્ધ છે. આ તમામ પ્રયત્નોની ફળશ્રૃતિ રૂપે આજે અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.

આ પણ વાંચો : Valsad News : Ahmedabad News : અમદાવાદના સરખેજમાં યુવકે યુવતી સાથે ઝઘડો કરી પોતાને પેટ્રોલ નાખી લાઇટરથી આગ લગાડી, યુવકનું સારવાર દરમિયાન મોત