જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ રાજસ્થાનના સુરતગઢ ખાતેથી 'સોઈલ હેલ્થ કાર્ડ' (SHC) યોજનાની શરૂઆત સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં આ પહેલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૩-૦૪ માં જ શરૂ કરવામાં આવી હતી, જે દેશમાં પ્રથમ હતી.
સોઈલ ટેસ્ટિંગને પ્રોત્સાહન આપીને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરાય છે
આ યોજના ખેતીના પરંપરાગત અભિગમને બદલીને વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ લઈ જવામાં પાયાનો પથ્થર સાબિત થઈ રહી છે. જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો જ માનવ સ્વાસ્થ્ય અને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત રહેશે, તેવા મંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત સરકાર "સ્વસ્થ ધરા, ખેત હરા"ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતી અને સોઈલ ટેસ્ટિંગને પ્રોત્સાહન આપીને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરી રહી છે.
સોઈલ હેલ્થ કાર્ડ: જમીનની સચોટ 'કુંડળી'
સોઈલ હેલ્થ કાર્ડ એ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ખેડૂતની જમીનની સંપૂર્ણ 'કુંડળી' છે. આ કાર્ડ દ્વારા ખેડૂતોને તેમની જમીનમાં રહેલા ૧૨ મુખ્ય પોષક તત્વો, ગૌણ તત્વો અને ભૌતિક પરિમાણો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, ઝીંક વગેરેની સચોટ માહિતી મળે છે. આ વૈજ્ઞાનિક પૃથ્થકરણના આધારે ખેડૂતો જાણી શકે છે કે કયા પાક માટે કયા ખાતરની અને કેટલી માત્રામાં જરૂર છે. પરિણામે, રાસાયણિક ખાતરોનો બિનજરૂરી વપરાશ ઘટે છે, ખેતી ખર્ચમાં મોટી બચત થાય છે અને ઉત્પાદનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે.
Also Read
Agriculture News : રવિ સિઝન 2025-26માં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે, નાફેડના ‘ઇ-સમૃદ્ધિ’ પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ
Agriculture News : ખેડૂતોને શેરડીના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર
Agriculture News: એગ્રીસ્ટેક યોજના હેઠળ ડિજિટલ ક્રોપ સર્વેનું હવે AI બોટ દ્વારા થશે વેરિફિકેશન
સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે
વર્ષ ૨૦૨૫-૨૬ના તાજેતરના ડેટા મુજબ, ગુજરાતમાં જમીન પરીક્ષણની કામગીરી ખૂબ જ વેગવંતી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬,૧૯,૦૯૦ માટીના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે, જે ૯૯% જેટલી નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. આ એકત્રિત થયેલા નમૂનાઓમાંથી ૫,૨૧,૩૦૯ નમૂનાઓનું પરીક્ષણ પૂર્ણ કરી સોઈલ હેલ્થ કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. આ આંકડા સાબિત કરે છે કે ગુજરાતનો ખેડૂત હવે વૈજ્ઞાનિક ખેતી તરફ વળ્યો છે.
સોઈલ હેલ્થ કાર્ડ જનરેટ કરવા સુધીની કામગીરી કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીના આધુનિકીકરણ અને જમીન સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા મક્કમ પગલાંના પરિણામે કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ જિલ્લાના ખેડૂતોમાં જમીન પરીક્ષણ પ્રત્યેની જાગૃતિમાં અભૂતપૂર્વ વધારો થયો છે. વર્ષ ૨૦૨૫-૨૬માં સુરેન્દ્રનગર જિલ્લાએ ૨૦,૨૩૦ જમીનના નમૂના એકત્ર કરવાથી લઈને સોઈલ હેલ્થ કાર્ડ જનરેટ કરવા સુધીની કામગીરીમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરીને રાજ્યના અન્ય જિલ્લાઓ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અંતરિયાળ વિસ્તારોમાં પણ ખેડૂતો હવે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો સ્વીકાર કરી રહ્યા છે.
જિલ્લાના વિવિધ તાલુકાવાર વિશ્લેષણ પર નજર કરીએ તો, દસાડા તાલુકો ૩૧૧૫ નમૂનાઓના પરીક્ષણ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યો છે. ત્યારબાદ ચોટીલા તાલુકામાં ૨૯૦૫ અને સાયલા તાલુકામાં ૨૪૮૫ નમૂનાઓનું સફળતાપૂર્વક પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકામાં ૨૨૭૫ અને લીંબડી તાલુકામાં ૨૧૦૦ નમૂનાઓ એકત્ર કરી ખેડૂતોને તેમના ખેતરની જમીનની ફળદ્રુપતા અંગેની સચોટ વિગતો પૂરી પાડવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ખેડૂતો હવે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો સ્વીકાર કરી રહ્યા છે.
તમામનું ટેસ્ટિંગ પૂર્ણ કરી 100 ટકા કાર્ડ જનરેટ કરી દેવામાં આવ્યા છે
મૂળી તાલુકામાં ૧૮૯૦ અને વઢવાણ તાલુકામાં ૧૬૮૦ નમૂનાઓનું પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે લખતર તાલુકામાં ૧૫૦૫ અને ચુડા તાલુકામાં ૧૨૬૦ નમૂનાઓ સાથે સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત થાનગઢ તાલુકામાં ૧૦૧૫ નમૂનાઓનું પૃથ્થકરણ કરી જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓને આ યોજના હેઠળ વ્યાપક રીતે આવરી લેવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે જિલ્લામાં જેટલા નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, તે તમામનું ટેસ્ટિંગ પૂર્ણ કરી ૧૦૦ ટકા કાર્ડ જનરેટ કરી દેવામાં આવ્યા છે.
'આત્મનિર્ભર કૃષિ' અને 'સમૃદ્ધ ખેડૂત'ના વિઝન
આ યોજનાની સફળતાને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતો હવે પોતાની જમીનની તાસીર મુજબ જ ખાતરનો ઉપયોગ કરતા થયા છે. જેના લીધે ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ મળી છે. જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સુરેન્દ્રનગર જિલ્લો હવે આત્મનિર્ભર કૃષિ અને પ્રાકૃતિક ખેતી તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે, જે આવનારા સમયમાં જિલ્લાની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે. સમગ્ર ભારતની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૫-૨૬માં દેશભરમાં કુલ ૯૩,૭૪,૮૨૧ નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં ૭૬,૮૬,૫૬૭ સોઈલ હેલ્થ કાર્ડ સફળતાપૂર્વક જનરેટ કરવામાં આવ્યા છે. આ આંકડાકીય પ્રગતિ દેશને 'આત્મનિર્ભર કૃષિ' અને 'સમૃદ્ધ ખેડૂત'ના વિઝન તરફ લઈ જઈ રહી છે.
હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે કૃષિક્ષેત્રે આપણો દેશ વિશ્વફલક પર મોખરાનું સ્થાન ભોગવી રહ્યો છે
કૃષિક્ષેત્રે થયેલી પ્રગતિની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે, જેની સાક્ષી રાજ્યનો કૃષિક્ષેત્રનો વિકાસદર પૂરે છે. જે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત ગણાય છે. કૃષિ ઉત્પાદનનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળી રહે તે માટે કૃષિકારોના પુરુષાર્થ, કૃષિ વિજ્ઞાનના સામર્થ્ય અને સરકારના પ્રોત્સાહક આયોજન દ્વારા કૃષિ ઉત્પાદનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરીને પ્રાકૃતિક કૃષિ દ્વારા હરિયાળી ક્રાંતિ માટે સૌ ખેડૂત મિત્રો કટિબદ્ધ બને તે આજના આધુનિક યુગમાં આવશ્યક છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં "પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન" વેગવંતું બન્યું છે.
સોઈલ હેલ્થ કાર્ડ આ અભિયાનમાં પૂરક બને છે
કારણ કે તે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. વધુમાં, સરકારે હવે 'ડિજિટલ સોઈલ હેલ્થ કાર્ડ' અને મોબાઈલ એપની સુવિધા આપી છે, જેનાથી ખેડૂતો આંગળીના ટેરવે પોતાની જમીનનું સ્વાસ્થ્ય જાણી શકે છે. મર્યાદિત જમીનમાં મહત્તમ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મેળવવું એ આજના સમયની માંગ છે. જો ખેડૂત સમયાંતરે જમીન ચકાસણી કરાવી સોઈલ હેલ્થ કાર્ડ મુજબ ખાતર અને પાકનું આયોજન કરશે, તો જ ખેતી ખર્ચ ઘટશે અને આવક વધશે. જમીનનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તો જ માનવ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેશે. આમ, સોઈલ હેલ્થ કાર્ડ યોજના એ આત્મનિર્ભર કૃષિ અને ખેડૂતોની આર્થિક આબાદી માટેનો રાજમાર્ગ છે.










