ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેતી ક્ષેત્રને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી વધુ આધુનિક અને પારદર્શક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલા 'ડિજિટલ ક્રોપ સર્વે'ની પ્રક્રિયાને વધુ સચોટ અને ક્ષતિરહિત બનાવવા માટે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે
વર્તમાન રવિ ઋતુ દરમિયાન, સર્વેયરો દ્વારા ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લઈ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગિંગ) સાથેના ફોટા અને અન્ય વિગતો રેકોર્ડ કરવામાં આવી છે. આ એકત્રિત થયેલા ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા AI બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત, જે ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે, તેમને ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે.













