ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચાલી રહેલી લાંબી અટકળો પર આજે વિરામ મુકાયો છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે વિધિવત રીતે ઉપાધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં તેમણે વિધાનસભા સચિવાલય ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી
તાજેતરમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ આ બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. પક્ષ સ્તરે થયેલા લાંબા મંથન બાદ, પૂર્ણેશ મોદીના અનુભવ અને સંસદીય બાબતોના જ્ઞાનને ધ્યાને રાખી ભાજપ દ્વારા તેમને આ મહત્વની જવાબદારી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી
ભાજપના મજબૂત ઉમેદવાર પૂર્ણેશ મોદી સામે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ મેદાન માર્યું છે. કોંગ્રેસ દ્વારા સિનિયર ધારાસભ્ય અને અનુભવી નેતા શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બંને પક્ષોએ ઉમેદવાર ઉતારતા હવે આ પદ માટે મતદાન યોજાય તેવા પૂરેપૂરા સંજોગો છે. આજે બપોર સુધી ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા હતી, જેમાં બંને પક્ષોએ ફોર્મ ભરી દીધા છે. આગામી 16 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં આ પદ માટે સત્તાવાર રીતે ચૂંટણી યોજાઈ શકે છે. પૂર્ણેશ મોદી દક્ષિણ ગુજરાતના મોટા OBC નેતા છે, જેમના નામની જાહેરાતથી ભાજપે પ્રાદેશિક અને જ્ઞાતિ સમીકરણો પણ સાધ્યા છે.
પૂર્ણેશ મોદીએ ઉમેદવારી નોંધાવતા જ રાજકારણ ગરમાયું
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે પૂર્ણેશ મોદીએ ઉમેદવારી નોંધાવતા જ રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીની સક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા પ્રહારો અને શબ્દ પ્રયોગો સામે આકરો વાંધો ઉઠાવ્યો છે.
પૂર્ણેશ મોદીની સક્ષમતા અને હાઈકમાન્ડનો નિર્ણય
જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના સમર્થનમાં જણાવ્યું હતું કે, "પૂર્ણેશ મોદી એક વિઝન સાથે કામ કરનારા અને સરાહનીય કામગીરી કરનારા સક્ષમ નેતા છે. રાષ્ટ્રીય નેતૃત્વ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથેના પરામર્શ બાદ જ તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમની પસંદગીમાં ભાજપની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને વિધાનસભાની ગરિમા જાળવવાનો અભિગમ રહેલો છે."
કોંગ્રેસ પર આકરા પ્રહારો
કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપોનો જવાબ આપતા વાઘાણીએ જણાવ્યું કે કોંગ્રેસને વિસ્તારવાદ અને પ્રાંતવાદ કરવાની જૂની ટેવ છે, જ્યારે ભાજપ ક્યારેય જાતિવાદમાં માનતું નથી. કોંગ્રેસ જે રીતે ખોટા શબ્દ પ્રયોગો કરી રહી છે તે બંધારણીય વ્યવસ્થા માટે યોગ્ય નથી.તેમણે ટકોર કરી હતી કે, કોંગ્રેસ અત્યારે એ રીતે ચૂંટાઈ છે કે તેને વિપક્ષનું પદ પણ મળી શકે તેમ નથી, છતાં તેઓ બિનજરૂરી વિવાદ ઊભો કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતનું ગૌરવ
દક્ષિણ ગુજરાતના રાજકારણને લઈને જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે પૂર્ણેશ મોદી એક કુશળ રાજકીય નેતા છે અને તેમની નિમણૂકથી સંસદીય કાર્યપ્રણાલી વધુ મજબૂત બનશે. કોંગ્રેસે જે રીતે પ્રાદેશિકવાદના મુદ્દા ઉછાળ્યા છે, તે તેમની નબળી માનસિકતા દર્શાવે છે.
આ પણ વાંચો: Bhavnagar: મહાદેવનગરમાં 252 આવાસોનું મેગા ચેકિંગ, 27 મકાનોમાં ભાડુઆત મળતા મનપાએ 7 દિવસમાં ખાલી કરવા નોટિસ ફટકારી