પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૩ માર્ચના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો ૨૨મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

એગ્રીકલચરલ ક્રેડિટ સોસાયટી ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું

વધુ વિગતો આપતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના ૨૨માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૩૨ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૬૪૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૪૯.૫૯ લાખ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૨૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. રાજ્ય કક્ષાથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી, જિલ્લા, તાલુકા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી કિસાન સમૃધ્ધિ કેંન્દ્રો, પ્રાઇમરી એગ્રીકલચરલ ક્રેડિટ સોસાયટી ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે

પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૧ હપ્તાના માધ્યમથી કુલ ૪,૦૯,૦૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના ૬૯.૨૪ લાખ લાભાર્થી ખેડૂત પરિવારોને પણ ૨૧ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૨,૦૬૯ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો વળાંક, સગીર આરોપીને પુખ્ત ગણાવી કોર્ટમાં ચાલશે કેસ