નરેન્દ્ર મોદી સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે Cold Play Music of The Yearsના કાર્યક્રમ દરમિયાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.


જાહેરનામાનો અમલ કરવો જરૂરી

અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા, સાબરમતી ખાતે Cold Play Music of The Yearsનો કોન્સર્ટ તા. ૨૫/૦૧/૨૦૨૫ તથા તા.૨૬/૦૧/૨૦૨૫ના રોજ થનાર છે. આ મ્યુઝિક શો જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો અને સેલિબ્રિટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા હું જી.એસ.મલિક, આઇપીએસ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ 33(૧) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તાની રુએ પ્રતિબંધ ફરમાવું છું.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત

01-જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ

વૈકલ્પિક માર્ગની વિગત

01-તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.

02-કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

જાહેરનામાનો ભંગ કરશો તો થશે પોલીસ ફરિયાદ

આ હુકમ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. ૨૫/૦૧/૨૦૨૫ તથા તા.૨૬/૦૧/૨૦૨૫ બંને દિવસના કલાક ૧૨.૦૦થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ - ૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

  • Follow us on: