અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકોએ અગાઉ ઘણા લોકોના જીવ લીધા છે. ત્યારે અમદાવાદમાં વધુ એકવાર નશામાં ધૂત ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના માનવ મંદિર હેલ્મેટ સર્કલ નજીક ગુરુકુલ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 2 લોકોને ઈજાઓ થઈ છે.મળતી માહિતી મુજબ ,એક કાર ચાલકે બેદરકારી પૂર્વક રીતે અને નશાની હાલતમાં વાહન ચલાવતાં માર્ગ અકસ્માત સર્જ્યો હતો.
કાર ચાલકે સર્જ્યો અકસ્માત
કાર ચાલકે પહેલા એક્ટિવા ચાલક અવનભાઈ ટાંગુ અને મોટરસાયકલ પર મુસાફરી કરતાં મુકેશભાઈને ટક્કર મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનાવ્યા હતા.નશામાં ધૂત કારચાલકે એટલેથી ન અટકતા કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ કાર પછી રોડની બીજી બાજુએ આવેલા પાન પાર્લરમાં ઘૂસી ગઈ હતી.જ્યાં પાન પાર્લર સામે ઉભેલા કલ્પેશભાઈ સોલંકીને કારે ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
કાર ચાલક સામે ગુનો
ટ્રાફિક પોલીસે આરોપી કારચાલક સામે ગુનો નોંધ્યો હતો.જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કાર ચલાવનાર વ્યક્તિ નશામાં હતો. જેને આધારે ટ્રાફિક પોલીસે ડ્રાઈવરના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે હાલ ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં અગાઉ બનેલી ઘટના
અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ અમદાવાદમાં બની ચૂકી છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે તથ્ય પટેલ નામના નબીરાએ મોંઘીદાટ જેગુઆર કારને બેફામ રીતે ચલાવીને 9 લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે આ ઘટના ફરી એકવાર જાહેરમાં રસ્તા પર સુરક્ષા અને નશાની સ્થિતિમાં વાહન ચલાવવાના ઘાતક પરિણામોની ગંભીરતા તરફ ધ્યાન દોરે છે.