સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં સ્માર્ટ તંત્ર AMCની વોટર કમિટીનો વિવાદિત નિર્ણય સામે આવ્યો છે. શહેરમાં ભરાઈ જતા વરસાદી પાણીનો સરવે કરવા માટે IIT ગાંધીનગરને 12 લાખ ચૂકવાશે. આ સરવેનો રીપોર્ટ આવ્યા બાદ શહેરમાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નંખાશે. મહાનગર પાલિકામાં એન્જિનિયરો હોવા છતાં વરસાદી પાણી ભરાવા અંગેનો સરવે કરવાનું કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે. અમદાવાદમાં એજન્સી સરવે કરી શકે તો અધિકારીઓ કેમ નહીં. વરસાદી પાણીનો સરવે કરવા 12 લાખનો ખર્ચ કેમ કરાશે જેવા અનેક સવાલો ઉભા થયાં છે.
IIT ગાંધીનગરને 12 લાખની ચૂકવણી કરાશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં સ્માર્ટ તંત્રના સ્માર્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વર્ષોથી પ્રિ મોન્સૂન કામગીરી અને શહેરના વિકાસ અંગે અનેક દાવા કરવામાં આવ્યા છે. પરંતુ આ દાવા પ્રમાણેની કામગીરી તેમના સ્માર્ટ વર્કમાં ક્યાંય દેખાતી નથી. આ સ્માર્ટ તંત્રની વોટર કમિટીએ હવે એક વિવાદિત નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં ભરાઈ જતા વરસાદી પાણીનો સરવે કરવા માટેનું કામ IIT ગાંધીનગરને સોંપવા તૈયારીઓ કરી છે. આ કામ માટે IIT ગાંધીનગરને 12 લાખની ચૂકવણી કરાશે.વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગારિયા દ્વારા આ માહિતી અપાઈ હતી.
એજન્સી સર્વે કરી શકે તો AMCના અધિકારીઓ કેમ નહીં ?
હવે IIT ગાંધીનગર દ્વારા અમદાવાદમાં ક્યા અને કેટલું વરસાદી પાણી ભરાય છે તેનો સરવે કરવામાં આવશે. આ સરવે બાદ શહેરમાં કઈ જગ્યાએ સ્ટોર્મ વોટર લાઈન નેટવર્ક નાંખવું તેનો અભિપ્રાય અમદાવાદ મહાનગર પાલિકાને આપશે. AMCમાં એન્જિનિયર અધિકારીઓ હોવા છતાં 12 લાખ ખર્ચીને એજન્સી પાસે સર્વે કરાવાશે. વરસાદ આવે ત્યારે અમદાવાદમાં અનેક સ્થળો પર પાણી ભરાઈ જાય છે તેની મહાનગર પાલિકાના અધિકારીઓને જાણ નથી? એજન્સી સર્વે કરી શકે તો AMCના અધિકારીઓ કેમ નહીં ? આવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે.