અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે “કેસર કેરી મહોત્સવ-2025”નું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનાર આ કેરી મહોત્સવનો કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવતીકાલે તા.14 મે,2025ના રોજ શુભારંભ કરાવશે.આ કેસર કેરી મહોત્સવ આગામી તા.13 જૂન એટલે કે એક મહિના સુધી ચાલશે.


85 જેટલા સ્ટોલ પર કેરીનું વેચાણ થશે

કેસર કેરી મહોત્સવ-2025માં ઉભા કરાયેલા આશરે 85જેટલા સ્ટોલ ખેડૂત મંડળીઓ, નેચરલ ફાર્મિંગ FPO તેમજ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે.આ મહોત્સવ માત્ર ખરીદીનો પોઈન્ટ જ નહીં, શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બનશે.આ મહોત્સવની મુલાકાત લઈ નગરજનો સીધા કેરી પકવતા ખેડૂતો પાસેથી તાજી અને કાર્બાઇડ ફ્રી કેરી ખરીદી શકશે. આ મહોત્સવમાં નાગરિકોને તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા પ્રદેશોની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ ખરીદી માટે ઉપલબ્ધ થશે.

2023માં 2.70 લાખ કિલોથી વધુ કેરીની ખરીદી

કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરી સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર “કેસર કેરી મહોત્સવ” જેવું એક માધ્યમ પૂરું પાડીને ખેડૂતોને સહાયરૂપ થઇ રહી છે.વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં વર્ષ 2007થી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી.ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન આ કેરી મહોત્સવનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. વર્ષ 2023માં યોજાયેલા “કેસર કેરી મહોત્સવ”માં અમદાવાદીઓએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 2.70 લાખ કિલોથી વધુ કેરીની ખરીદી કરી હતી.


  • Follow us on: