અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓની આખી વસાહત ઉભી થઈ ગઈ હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ આ વસાહતમાં રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. તેમના ગેરકાયદે બાંધકામો અને મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે ચંડોળામાં રહેતા લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા હતાં જેઓ હવે પીરાણાના ગણેશનગરમાં ઘૂસ્યા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
લોકો રિક્ષા અને ટેમ્પો ભરીને આવી રહ્યાં છે
પીરાણાના ગણેશનગરમાં રહેતા લોકોનું કહેવું છે કે, જ્યારે સાબરમતિ નદી પર રિવરફ્રન્ટ બન્યો ત્યારે અમને અહીં રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી. ચંડોળામાં હાલમાં જે દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં જે લોકો મકાન વિહોણા થયાં છે તે લોકો મોટા પ્રમાણમાં ગણેશનગરમાં એકત્રિત થઈ રહ્યાં છે. રાતના સમયે આ લોકો રિક્ષા અને ટેમ્પો ભરીને આવી રહ્યાં છે. આ લોકોને કારણે અમારૂ પાણી બંધ થઈ ગયું છે. છેલ્લા ચારેક દિવસમાં અનેક લોકો અહીં ભેગા થયાં છે.
ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ
ચંડોળા તળાવ ખાતે આજે ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કર્યા બાદ બુધવારે માત્ર 50 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ હતી. આજે ત્રીજા દિવસે પણ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામો અને કાચા પાકા ઝૂંપડા તોડવામાં આવી રહ્યાં છે. સ્થાનિકો માલસામાન હટાવવા માટે દોડાદોડ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી મહાનગર પાલિકાના કર્મચારીઓ જે.સી.બી.,ડમ્પર,ટ્રક અને મેનપાવર સાથે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરી રહ્યાં છે.