• અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો

  • ભૂવો તાત્કાલિક નહીં પુરવામાં આવે તો કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલો રોડ બેસી જવાની શક્યતા
  • શહેરમાં અત્યાર સુધીમાં 30થી વધુ ભૂવા પડ્યા

અમદાવાદમાં વરસાદ બાદ શહેરીજનોની મુશ્કેલી વધી છે, શહેરમાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ વધુ એક ભૂવો પડ્યો છે. શહેરના નવરંગપુરા પાસપોર્ટ ઓફિસ પાસે ભૂવો પડ્યો છે. જો કે આ ભૂવો તાત્કાલિક નહીં પુરવામાં આવે તો કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલો રોડ બેસી જવાની શક્યતા છે.

શહેરમાં 30થી વધુ ભૂવા પડ્યા

ત્યારે ભૂવો પડવાના કારણે કોઈ મોટી હોનારત થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે, હાલમાં આ ભૂવાને લીધે બાજુનો રોડ બેસી શકે તેવી ભીતિ છતાં લોકો અહીંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે શહેરમાં અત્યાર સુધીમાં 30થી વધુ ભૂવા પડ્યા છે અને મનપાની કામગીરી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરા શહેરમાં પણ પડ્યો ભૂવો

વડોદરામાં આજે શહેરના નિઝામપુરા-નવાયાર્ડ રોડ પર 10 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો મસમોટો ભુવો પડ્યો છે, જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. હાલમાં કોઈ દુર્ઘટના ના બને તે માટે પાલિકા દ્વારા બેરીકેડ મુકી દેવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક નગરસેવકોએ સ્થળ પર પહોંચી રોષ વ્યકત કર્યો છે. સ્થાનિકોએ કહ્યું કે પહેલેથી ભૂખી કાંસ પર આર.સી.સી સ્લેબ નથી અને ઉપરથી નજીકમાં ભુવો પડતા રોડ નબળો પડ્યો છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ ભૂવો પડ્યો છે તે સ્થળની મુલાકાત લીધી છે.

ગઈકાલે નડિયાદમાં 20 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો

વરસાદે તંત્રની કામગીરી પોલ ખોલી નાખી છે. ગઈકાલે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો હતો. રસ્તા પર 20 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો અને ભૂવો પડ્તા તાત્કાલિક રોડ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી હતી. મસમોટો ભૂવો પડ્યાની જાણકારી મળ્યા બાદ જ નગરપાલિકાના એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેમની સાથે જ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંજય પટેલ પણ ઘટનાસ્થળે પહોંચીને ભૂવો પૂરાવવાની કામગીરી શરૂ કરાવવી હતી.

  • Follow us on: