• ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાત પોલીસનો માન્યો આભાર

  • રાજ્યમાં 210 રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
  • અમદાવાદની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ

અમદાવાદની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ નીજ મંદિર પરત આવી ચૂક્યા છે અને દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે. ત્યારે આવતીકાલે સવારે આરતી બાદ ભગવાનનો નીજ મંદિરમાં પ્રવેશ કરાવાશે.

 


હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસનો માન્યો આભાર

ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં 210 રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું કે ગુજરાત પોલીસની સખત મહેનત અને સમર્પણના કારણે આનંદદાયક ઉજવણી શક્ય બની અને ગુજરાત પોલીસનો ખુબ આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ સહિત સુરત, ભૂજ, કલોલ, અંબાજી, પાલનપુર,ડાકોર, શામળાજી, દ્વારકા, ભાવનગર અને અન્ય ઘણા શહેરોમાં ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.

23,600 પોલીસકર્મીઓએ આપી સેવા

23,600 પોલીસકર્મીઓએ સેવા આપી છે. તેમજ ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં હતી તથા ચેતક કમાન્ડોની 3 ટૂકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ DG, ADG, IG, DIG સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા તથા કુલ 38 SP, DCP કક્ષાના અધિકારીઓ સાથે ACP - DYSP કક્ષાના 89 અધિકારીઓ તૈનાત હતા. જેમાં PI કક્ષાના કુલ 286 અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા તથા 630 PSIને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા હતા. SRPની 30 કંપનીઓના જવાનો બંદોબસ્તમાં ખડેપગે સેવા આપી. તેમજ સેન્ટ્રલ ફોર્સની 11 કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત હતી.

અમદાવાદમાં ડીજે-ઢોલના નાદથી ગુંજી ઉઠી શેરીઓ

ભગવાનના સ્વાગત માટે લોકો ડીજે-ઢોલ અને નગારા વગાડી રહ્યા છે અને તેના નાદથી શહેરના તમામ રસ્તા, શેરીઓ અને પોળ ગુંજી ઉઠી છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે. રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા.


  • Follow us on: