- ત્રાગડ ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
- વરસાદના કારણે ગરનાળુ બંધ કરવાની ફરજ પડી હતી
- રેલવે સાથે સંકલન કરી કામગીરી કરાશે: દેવાંગ દાણી
અમદાવાદમાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં વરસાદના વિરામ બાદ પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરમાં અનેક ગરનાળામાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.
અનેક વાહનચાલકોને પડી રહી છે હાલાકી
શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ ત્રાગડમાં ગરનાળામાં પાણી ભરાયેલા છે. ગરનાળામાં પાણી ભરાવાના કારણે અનેક વાહનચાલકોને હાલાકી પડી રહી છે અને ઘણા વાહનો પાણીમાં બંધ પડી રહ્યા છે. ત્યારે કેટલાક લોકોને અન્ય રસ્તાથી ફરીને જવાની ફરજ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વરસાદના કારણે ગરનાળુ બંધ કરવાની ફરજ પડી હતી પણ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને તકલીફ પડી રહી છે.
પાણી નિકાલ કરવાની કામગીરી શરૂ કરાઈ
ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે રેલવે સાથે સંકલન કરીને કામગીરી હાથ ધરવામાં આવશે. વરસાદના કારણે ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાયા છે અને હાલમાં પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વૈષ્ણોદેવીથી ઉજાલા સુધીનો રોડ છે, તેમાં ડ્રેનેજની કામગીરી અનેક જગ્યા પર ચાલી રહી છે, જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને મુખ્ય હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે, તેની સાથે સંકલન કરી સર્વિસ રોડની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
શહેરના તમામ રસ્તાઓ પર ખાડા જ ખાડા
વરસાદ વરસ્યા બાદ શહેરના તમામ માર્ગ પર બસ જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવીને રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યુ છે. સ્થાનિકો કહી રહ્યા છે કે રસ્તો હજુ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે અને એટલામાં તૂટી પણ ગયો છે. રસ્તામાં ખાડાઓનું રાજ હોવાના કારણે કેટલાક વાહનચાલકો પડી પણ જાય છે. ત્યારે આ મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની માગ કરી રહ્યા છે.
ગઈકાલે અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને લોકોને બફારામાંથી થોડીક રાહત મળી છે. ગઈકાલે શહેરના ગોતા, સોલા, થલતેજ, વસ્ત્રાપુર, પકવાન ચાર રસ્તા, સિંધુભવન રોડ, ઈસ્કોન ચાર રસ્તા, પ્રહ્લાદનગર ગાર્ડન રોડ, જોધપુર, શિવરંજની, નરોડ, મેમ્કો, બાપુનગર, વસ્ત્રાલ અને અન્ય ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.