• અંબાજીના લોકો અસામાજિક તત્વો સામે લડી લેવાના મૂડમાં

  • અંબાજી શક્તિપીઠમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ
  • અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રહેશે

અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠના દર્શન કરવા માટે હજારો દર્શનાર્થીઓ આવે છે. સાથે-સાથે અંબાજીના સ્થાનિક લોકો પણ આ ગામમાં મોટી સંખ્યામાં ધંધો વેપાર કરે છે, ત્યારે છેલ્લા બે મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થા બગડી છે. 29 જુલાઈના રોજ અંબાજીના જાહેર બજારમાં બનેલી ઘટનાથી સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો સાથે-સાથે પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા, હજુ સુધી પોલીસ દ્વારા એક પણ આરોપીને પકડવામાં આવ્યો નથી.

અંબાજીના વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા

જાહેર બજારમાં પથ્થરમારાની ઘટનાને લઈને અંબાજીના વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાની તકલીફો જણાવી હતી. અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે હવે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવ્યું કે અસામાજિક તત્વો આવે તો ઘરમાં રહો જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અંબાજીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી

અંબાજી શક્તિપીઠમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા અંબાજીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધવા પામી છે. વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. તાજેતરમાં અંબાજી આઠ નંબર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પણ બની હતી અને પોલીસ હજુ સુધી આ ચોરીના આરોપીઓ પકડવામાં પણ નિષ્ફળ રહી હતી.

ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈની મેડિકલ સ્ટોર્સમા 29 જુલાઈના રોજ સાંજે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને ચારથી પાંચ જેટલા તત્ત્વો ભાગી ગયા હતા અને પોલીસ દ્વારા હજુ સુધી એક પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. આજે માન સરોવર ખાતે એકઠા થયેલા વેપારીઓ અને અન્ય લોકોએ જણાવ્યું હતું કે આ તત્વો અંબાજીની આજુબાજુ રહે છે અને બજારોમાં ફૂલ સ્પીડમાં બાઈકો ચલાવે છે. ત્રણ સવારીમાં બાઈકો ચલાવે છે, ગાડીના કાગળો પણ પૂરતા રાખતા નથી.

પોલીસની કામગીરી પર સવાલ

દુકાનોમાંથી વસ્તુ ઝૂંટવીને ભાગી જાય છે. ત્યારે અંબાજીમાં આજે મળેલી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 31 જુલાઈએ શક્તિપીઠ અંબાજીના બધા જ વેપારીઓ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા આતંક સામે સમગ્ર અંબાજી ધામ બંધ રાખશે. અંબાજી શક્તિ દ્વાર સામે ઘણા બધા મકાન આવેલા છે અને આ વિસ્તારમાં અસામાજિક અને લુખ્ખા તત્વો અવારનવાર બાઈકો લઈને ફરે છે, જેને લઈને સ્થાનિક મહિલા દ્વારા પોલીસને ફોન કરતા પોલીસે જણાવ્યું કે ઘરમાં રહો જેને લઈને મહિલાઓમાં ભારે રોષ છે.

  • Follow us on: