- અમદાવાદ મનપાનો નિર્ણય
- પ્લાસ્ટિકના પ્રદૂષણને ડામવા નિર્ણય
- ઘરદીઠ કરાશે 2 કાપડની થેલીનું કરાશે વિતરણ
અમદાવાદ મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રમાણે હવે અમદાવાદીઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે.
મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકના દૈનિક વેસ્ટના પ્રદૂષણને ડામવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસાર અમદાવાદીઓને હવે કાપડની થેલીઓ આપવામા આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં જો કે આ બાબત હજુ પણ વિચારાધીન છે અને આ બાબતને અમદાવાદ મનપાની હેલ્થ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ મામલે માહિતી અનુસાર શહેરના 16 લાખ ઘરોને કાપડની થેલીઓનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત દરેક ઘરદીઠ 2 થેલી અપાશે એવું પણ નક્કી કરવામા આવ્યું છે. નોંધનીય છે કે અમદાવાદ મનપાની આ પહેલ દ્વારા શહેરને કચરામુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને કાપડની આ થેલી અમદાવાદીઓ જ્યારે પણ ખરીદી કરવા જાય, ખાસ કરીને શાકભાજી અથવા દૈનિક ગ્રોસરીની ખરીદીમાં તેને વાપરે તેવો આ પહેલ પાછળનો આશય છે. હાલના સમયમાં એ જોવામાં આવ્યું છે કે લોકો કંઈ પણ ખરીદી કરવા જાય છે તો કપડાની થેલી લઈને જતા નથી તેના બદલે વેચનાર પાસેથી પ્લાસ્ટિકની થેલી મેળવવાનો આગ્રહ રાખે છે. આ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ માત્ર અમુક મિનિટો પૂરતો જ થતો હોય છે, પછી ઘરે જઈને તેને કચરામાં જ ફેંકવામાં આવે છે. તેનાથી પ્લાસ્ટિકનું પ્રમાણ વધે છે અને પ્રદૂષણ થાય છે. તેથી જ લોકોમાં પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાપડની થેલીનું પ્રમાણ વધારી આ પ્રદૂષણને નાથવાનો તંત્રનો ઈરાદો છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે ખરેખર આ પહેલથી કોઈ પરિવર્તન આવશે કે પછી આ પ્રયાસ પણ તંત્રનો માત્ર કાગળ પરનો જ વધુ એક હવાઈ કિલ્લો પુરવાર થશે. આ માત્ર આવનારો સમય જ કહી શકે છે.