- અમદાવાદમાં નાફેડનું આયોજન
- શહેરમાં 25 રૂપિયે કિલો ડુંગળીનું વિતરણ
- પ્રજાને રાહતદરે ડુંગળી મળે તે માટે પહેલ
ડુંગળીના ભાવો વધતાં લોકોની થાળીમાંથી ડુંગળી જાણે કે ગાયબ થઈ રહી હતી. આ મામલે સામાન્ય લોકોને પણ તેનો ભાવવધારો અસહ્ય લાગવા માંડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગરીબોની કસ્તૂરી સમાન ડુંગળીના ભાવમાં વધારો જોવાતા લોકો આ ડુંગળીને ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા હતા. જો કે હવે સરકારે લોકોની આ ચિંતાને દૂર કરી દીધી છે.
હાલમાં મોંઘવારીએ માઝા મુકી છે. શાકભાજી, કઠોળ, ખાદ્યતેલ સહિત દરેક વસ્તુમાં પ્રજાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહતદરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માટે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ ફરી રહ્યા છે. જેમાં નાગરિકોને સસ્તા ભાવે ડુંગળી સહિત ચણાની દાળ અને ઘઉંના લોટનું રાહતદરે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે સરકારની આ પહેલને ગરીબ અને મધ્યવર્ગના લોકો પણ આવકારી રહ્યા છે.













