- આગામી દિવસોમાં જોવાઈ શકે છે ઘટાડો
- ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતો ઘટે તેવો અણસાર
- સરકારી ઓઈલ કંપનીઓએ આપ્યો સંકેત
હાલમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 84 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા બે મહિનામાં હમાસ-ઈઝરાયેલ યુદ્ધ બાદ કિંમતોમાં મોટી વધઘટ જોવા મળી છે.
આવનારા દિવસોમાં સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલના મોંઘા ભાવથી મોટી રાહત મળી શકે છે. સરકારી ઓઈલ કંપનીઓએ સંકેત આપ્યો છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની નીચે જાય છે અને કિંમતો ત્યાં સ્થિર થાય છે, તો સરકારી ઓઈલ કંપનીઓ દૈનિક ધોરણે ભાવ બદલવાનું શરૂ કરશે.
તેલ ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ધોરણે સુધારો ત્યારે જ શરૂ કરશે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ યુએસ ડોલર 80ની નીચે સ્થિર થશે. ત્રણ રિટેલ સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ છેલ્લા 20 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. આ ત્રણેય કંપનીઓએ એપ્રિલ 2022ના પહેલા સપ્તાહથી કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, કેન્દ્ર સરકારે મે 2022માં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને લોકોને મોંઘવારીમાંથી ચોક્કસ રાહત આપી હતી.
હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 84 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ઓઈલ કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ઘણી અસ્થિરતા છે અને કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. તેમણે કહ્યું, 'ઓઈલ કંપનીઓ આ સમયે કિંમતોમાં એક રૂપિયો પ્રતિ લીટરનો ઘટાડો કરી શકે છે અને જો તેઓ આમ કરશે તો દરેક તેની પ્રશંસા કરશે. પરંતુ, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થવા પર તેમને દર વધારવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે અંગે શંકા છે. અન્ય એક અધિકારીએ કહ્યું, 'કેટલાક દિવસો ડીઝલ વેચવામાં નફો થાય છે, પરંતુ કેટલાક દિવસો નુકસાન થાય છે. ભાવમાં કોઈ સ્પષ્ટ વલણ નથી.