અમરેલી લેટરકાંડ મુદ્દે MLA કૌશિક વેકરિયા જબરા ભેરવાયા છે. કોંગ્રેસ, ખોડલધામ સહિતની પાટીદાર સંસ્થાઓ બાદ હવે ભાજપમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. પાટીદાર દીકરીના અપમાનના મુદ્દે કોંગ્રેસ આક્રમક થતાં દિલીપ સંઘાણીએ પાયલ ગોટીને જેલમાં મળવા જવું પડ્યું હતુ.
અમદાવાદમાં NSUI-યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણના દ્દશ્યો સર્જાયા હતા. તો સુરતમાં અલ્પેશ કથિરીયાને કોઇએ મિટિંગ કરવા માટે ફાર્મ ના આપતા રસ્તા પર મિટિંગ કરવી પડી છે. આ તકે કથિરીયાએ કહ્યું કે પાટીદાર દીકરીના ન્યાય માટે દરેકે પાર્ટી બાજુમાં મૂકી જોડાવવું જોઇએ.
દિલીપ સંઘાણીએ પાયલ ગોટી સાથે જેલમાં મુલાકાત કરી
પાટીદાર સમાજના આગેવાનો, ખોડલધામ ટ્રસ્ટીઓ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવ્યા હતા. આજે (3 જાન્યુઆરી) પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાયલ ગોટીને જામીન મળ્યા છે અને આજે જ જેલમાંથી છૂટકારો થશે. 1 દિવસ પહેલા કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુંમરની જેલની મુલાકાત બાદ આજે અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જિલ્લા જેલે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં રાજકીય માહોલ ગરમાયો છે.
NSUI-યુથ કોંગ્રેસનો અમદાવાદમાં વિરોધ
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે યુથ કોંગ્રેસ અને યુવા પાટીદારો દ્વારા નાટ્ય રૂપાંતર કરીને સરઘસ કાઢવામાં આવ્યું હતું તથા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીના ફોટો લગાવીને કાર્યકર્તાઓ દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. કાર્યકરો પૂતળું બાળે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી હતી. કાર્યકર્તાઓએ જય સરદાર જય પાટીદારના નારા લગાવી પોસ્ટર બેનર સાથે કડક વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો
યુવા પાટીદાર કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા દીકરીઓનું અપમાન થઇ રહ્યું છે. મહિલાઓ અને દીકરીઓ દેવીનું સ્વરૂપ છે, તેમની પૂજા કરવાની બદલે આ પ્રકારે તમાશો બનાવીને સરઘસ કાઢવામાં આવે છે જે તદ્દન યોગ્ય નથી. તેથી ગૃહ રાજ્યમંત્રીએ અપમાનને બદલે માફી માગવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી માંગણી કરી છે. વિરોધ પ્રદર્શનમાં ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માગ પણ કરવામાં આવી હતી.
અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સુરતમાં બેઠક મળી
હવે આ મામલે ગુજરાતભરમાં પડઘા પડી રહ્યા છે. સુરતમાં કલેક્ટરને અને પોલીસને રજૂઆત બાદ હવે પટેલ સમાજમાં મિટિંગોનો દોર શરૂ થયો છે. ગઈકાલે (2 જાન્યુઆરી) રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં એક બેઠક મળી હતી, જેમાં પટેલ સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા.
અલ્પેશ કથીરિયાને મિટિંગ કરવા કોઇએ ફાર્મ ના આપ્યું
ગઈકાલે રાતે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી, જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી. આ સાથે જ કોઈ ફાર્મ ભાડે ન મળતાં આ બેઠક રોડ ઉપર કરવી પડી હતી. અહીં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે સમાજ માટે દુઃખની વાત કહી શકાય કે એક સમાજની દીકરી માટે ન્યાયની મિટિંગ માટે કોઈ 20 મિનિટ ફાર્મ ભાડે આપવા તેયાર નથી, જેથી આ ફાર્મ હવે કોઈએ ભાડે રાખવા નહિ. આ સાથે જ પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા જોડાવા હુંકાર કર્યો હતો.
સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાવોઃ કથીરિયા
આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં જે દીકરી પર પોલીસ કાર્યવાહી થઈ છે એ નિંદનીય છે. આ મામલે વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને દીકરીનું નામ આ લેટરકાંડમાંથી હટાવવામાં આવે એ અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે. કોર્ટ કાર્યવાહી થઇ રહી છે. આ મિટિંગ બોલવવાનો મુખ્ય હેતુ પાટીદાર સમાજના લોકો કોઈપણ પાર્ટીમાં હોય એ પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાઈ શકે છે.
‘દુઃખની વાત છે કે મિટિંગ માટે જગ્યા નથી મળતી’
અલ્પેશ કથીરિયાએ વધુમાં કહ્યું હતું કે આપણા સમાજ માટે દુઃખની બાબત એ છે કે સમાજની દીકરી માટે ન્યાયની માગ માટે જે મિટિંગ કરવી છે એના માટે જગ્યા મળતી નથી. આંદોલન વખતે પણ રોડ પર જ મિટિંગ કરવી પડતી હતી અને ફરી એક વખત આવું જ થઈ રહ્યું છે. પહેલા તો ધન્યવાદ દેવા પડે કે સમાજના કરોડો રૂપિયાનાં ફાર્મ કેશુબાપાના લીધે થયાં છે, પણ બાપાની દીકરી ગુજરાતમાં સલામત નથી.
‘હવે આપણે સમજવાની જરૂર છે’
કોઈ ફાર્મ પણ આપણને 20 મિનિટ આપવા માટે તૈયાર નથી. જે વ્યક્તિ તૈયાર થાય છે તેને એવી જગ્યાએથી ફોન આવી જાય છે કે તે તરત જ ના પાડી દે છે, જેથી હવે આપણે સમજવાની જરૂર છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે તમને બે પોસ્ટ મળી જશે, એક અમરેલીમાં ખોટી રીતે સંડોવાયેલી દીકરીને ન્યાય અને બીજું આ ફાર્મવાળાની, લોકોને જણાવવાનું કે અહીં કોઈએ પ્રસંગો રાખવા નહિ, કેમ કે અહીં દીકરીઓ સલામત નથી.