• શહેરના હાર્દ સમા સેક્ટર 21માં ખાડા રાજથી નાગરિકો પરેશાન
  • પીકઅપ વાનના બંને પૈડા ખાડામાં પડ્યાં મોટી જાનહાનિ ટળી
  • મહાનગર પાલિકાના વાંકે નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે

ગાંધીનગરમાં શહેરમાં ચોમાસાની સિઝનની શરુઆત પહેલાં જ ભુવા પડવાની પણ શરુઆત થઈ ગઈ છે. શહેરમાં પાણી-ગટર સહિતની કામગીરી બાદ યોગ્ય પુરાણના અભાવે શહેરમાં ઠેર-ઠેર ખાડા પડશે તે વાતથી તંત્ર પણ અજાણ નથી. સેક્ટરો સહિત નવા વિસ્તારોમાં પણ અનેક સ્થળે ભુવા પડતાં લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલું જ નહીં શહેરમાં અનેક સ્થળે ઘર આગળ ભરાયેલા પાણી અને પડેલા ખાડાને પગલે નાગરિકોનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે.

મહાનગર પાલિકા દ્વારા ખાડાઓનું પૂરાણ ન કરતાં અકસ્માત

ગાંધીનગરના સેક્ટર 21 માં એક પીક અપ વાન ભૂવામાં ફસાઈ ગઈ હતી. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ખાડાઓનું પૂરાણ ન કરતાં એક વાન ભૂવામાં પડી જવાની ઘટના સામે આવી છે. સેક્ટર 21માં રોડની સાઈડના ભાગમાં મસમોટા ખાડામાં પીકઅપ વાનના બે પૈડાઓ ખૂંચી જતાં અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. તંત્રને અનેક રજુઆતો કરવાં છતાંય આ મસમોટા ભૂવાઓ પૂરવામાં આવતાં ન હોવાથી અકસ્માતની ઘટનાઓ બનતી જ રહે છે. ગાંધીનગરમાં પાણી-ગટરની કામગીરીથી શહેરના હાલ બેહાલ થવાની જાણ કોર્પોરેશન તંત્રને પહેલાંથી જ છે તેમ છતાયં તંત્ર આંખ આડા કાન કરે છે.

તાજેતરમાં જ ઠેરઠેર ખાડા રાજથી નાગરિકો પરેશાન

તાજેતરમાં જ વંદે માતરમ સોસાયટી આગળ જ રસ્તો બેસી જતાં સવારે ટ્રક ઊંધી વળી ગઈ હતી તો બીજી તરફ સેક્ટર 8 ખાતે જમીન બેસી જતાં વિશાળ ભુવો પડયો હતો. શહેરમાં અનેક સેક્ટરોમાં તોડેલા રસ્તાઓને પગલે નાગરિકોના હાલ બેહાલ થઈ ગયા છે. કોર્પોરેશનના નવા વિસ્તારોમાં પણ અનેક સ્થળે ખાડા પડી ગયા હતા. કન્સ્ટ્રક્શન સાઈટની આસપાસ ચીકણી માટી રસ્તાઓ પર આવતા નાગરિકોને મુસીબતોનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ ન્યુ વાવોલમાં શિવમ સોસાયટીના ગેટ આગળ જ છેલ્લા 15 દિવસથી જોખમી ખાડો પડેલો છે. ત્યારે વરસાદને પગલે રહીશોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વિસ્તારમાં રસ્તાના અધૂરા કામ અને પડેલા ખાડાઓને પગલે નર્કાગાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જેમાં દિયા ગ્રિન્ઝ પાર્ટીપ્લોટથી શિવમ રેસિડેન્સી સુધીના રસ્તાની કામગીરી બાકી છે.

  • Follow us on: