રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ આજે રામનવમીના દિવસે જામનગરથી દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. અનંત અંબાણી સાથે આજે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે.
"આટલો બધો પ્રેમ આપવા બદલ આભાર"
આ યાત્રાના છેલ્લા પડાવમાં અમારા સંવાદદાતાએ અનંત અંબાણી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "રામનવમીના પાવન પર્વ પર મને ભગવાનના દર્શન કરવાનો મોકો મળ્યો છે. હું ગુજરાતનો જ છું અને જામનગરવાસી છું અને લોકોનો આટલો બધો પ્રેમ આપવા બદલ તેમનો આભાર. જેટલા પણ પ્રેમી છે તે બધા આવ્યા એ લોકોને મારા સલામ છે. બધા લોકોનો ઘણો ઘણો આભાર."
અનંત અંબાણીએ પદયાત્રીઓને પ્રણામ કર્યા
પદયાત્રા કરીને તેમણે લોકોને સંદેશ આપતા જણાવ્યું છે કે, "ઘણા લોકો પદયાત્રા કરે છે. મે તો માત્ર જામનગરથી કરી છે. પરંતુ લોકો હજારો કિલોમીટર ચાલે છે તેમને હું કોટિ કોટિ પ્રણામ કરું છું. મારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભગવાન તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે. મારે માટે આ બહુ મહત્ત્વની પદયાત્રા છે. હું પહેલીવાર પદયાત્રા પર નીકળ્યો છું અને મને આનાથી ઘણી શીખ મળી છે. મને ભગવાન દ્વારિકાધીશના દર્શન કરીને ઘણી ખુશી મળશે."
પિતા માટે કરી ભાવુક વાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ. અનંત અંબાણીએ કહ્યું હતું કે, "આ મારી ધાર્મિક યાત્રા છે. મેં આ યાત્રા ભગવાનના નામે શરૂ કરી હતી અને તેમના નામે પૂર્ણ કરી છે. હું ભગવાન દ્વારકાધીશનો આભાર માનું છું. આ યાત્રામાં મારી સાથે જોડાયેલા લોકોનો પણ હું આભાર માનું છું. મારી પત્ની અને મારી માતા મારી સાથે જોડાયા છે. જ્યારે મેં મારા પિતાને આ સફર વિશે કહ્યું, ત્યારે તેમણે મને ઘણી હિંમત આપી."