દેશમાં વકફ કાયદા વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. શનિવારે પશ્ચિમ બંગાળમાં હિંસક પ્રદર્શનો થયા હતાં. હવે આસામમાં આ કાયદા વિરૂદ્ધ હિંસા થઈ હતી. આસામના સિલચરમાં વકફ બિલના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પથ્થરમારો થયા બાદ પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવા માટે લાઠી ચાર્જ કર્યો હતો. મંજૂરી વિના 400 જેટલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં. તેમણે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.


પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થર મારો શરૂ કરી દીધો

પોલીસે જણાવ્યું હતું કે, વકફ બિલના વિરોધમાં 400 જેટલા લોકોએ સિલચર શહેરના બેરેન્ગા વિસ્તારમાં વિરોઘ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે તેમને હટાવવાની કોશિશ કરતાં તેમણે પોલીસ પર પથ્થર મારો શરૂ કરી દીધો હતો. પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવા અને ભીડને વિખેરી નાંખવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ વિસ્તારને ખાલી કરાવીને કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ કોઈની અટકાયત કે ધરપકડ કરાઈ નથી. વિરોધ પ્રદર્શન કરતા લોકોએ કાળા ઝંડા ફરકાવ્યા હતાં અને ભાજપની સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.

રાજ્યમાં અશાંતિ સર્જાઈ શકે તેની માહિતી હતીઃ સીએમ

આ પહેલા આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ વકફ સંશોધન બિલ પર વિરોધ પ્રદર્શનને લઈને સંભવિત અશાંતિની ચેતવણી આપનારી ગુપ્ત સૂચનાઓ વચ્ચે રાજ્યમાં શાંતિ રાખવા માટે પોલીસ અને નેતાઓના પ્રયાસોની શનિવારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે ગુપ્ત જાણકારી હતી કે લધુમતિ સમુદાયના વિરોધ પ્રદર્શનને કારણે રાજ્યમાં અશાંતિ સર્જાઈ શકે છે.

  • Follow us on: