વક્ફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભડકેલી હિંસા હવે આસપાસના જિલ્લાઓમાં પણ ફેલાઇ રહી છે. માલદા, મુર્શિદાબાદ, દક્ષિણ 24 પરગના અને હુગલીમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ હિંસા દરમિયાન પોલીસની ગાડીઓ સળગાવવામાં આવી હતી. અને પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. તણાવગ્રસ્ત સ્થિતિને જોતા કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે. આ ઉપરાંત 110 જેટલા લોકોની ધરપકડ કરાઇ છે. તેમના પર હિંસા ફેલાવવાનો આરોપ છે.


હિંસક પ્રદર્શનથી સ્થિતિ વણસી

પોલીસના જણાવ્યા મુજબ સૌથી વધુ હિંસા મુર્શિદાબાદમાં ફેલાઇ છે. જે બાદ સૂતી વિસ્તારમાં 70 અને સમસેરગંજમાં 41 લોકોની ધરપકડ કરાઇ છે. હજુપણ સ્થિતિ ગંભીર હોવાનું પોલીસે જણાવ્યુ હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત યથાવત્ છે. કોઇને પણ એક જ સ્થળે એકત્ર થવાની પરવાનગી નથી. અને આ સાથે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી છે. મુસ્લિમ બાહુલ્ય સૂતીમાં પોલીસ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થતા તેને કોલકાતાની હૉસ્પિટલમાં ખસેડાયો છે.

વક્ફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ હિંસા

વક્ફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં ફાટી નિકળેલી હિંસા માટે ભાજપે મમતા બેનર્જીની ટીકા કરી છે. ભાજપે કહ્યુ છે કે જો સરકાર સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ છે તો તેઓ કેન્દ્ર સરકારની મદદ માગી શકે છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ એક્સપર્ટ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મુર્શિદાબાદમાં થયેલો વિરોધ પ્રદર્શન વિરોધ નહોતો પરંતુ લોકશાહી અને શાસન વિરુદ્ધ જેહાદી દળો દ્વારા ઘડવામાં આવેલું સુનિયોજિત કાવતરું હતું. આ શક્તિઓ અરાજકતા ફેલાવીને અને સમાજના અન્ય સમુદાયોમાં ભય પેદા કરીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે.

હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભાજપના નેતાએ કહ્યું કે વકફનો વિરોધ કરનારાઓએ માત્ર જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ સરકારી અધિકારીઓ પર હુમલો કરીને ભયનું વાતાવરણ પણ ઉભું કર્યું છે. આ ઘટના પછી મમતા બેનર્જી સરકારનું મૌન બહેરાશકારક છે. અધિકારીએ હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. 

  • Follow us on: