પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આખી રાત પોલીસ સ્ટેશન સામે દેખાવો કરનાર પ્રખ્યાત અભિનેત્રી અને બીજેપી સાંસદ રૂપા ગાંગુલીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ભાજપ સાંસદ રૂપા ગાંગુલીની પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. રૂપા ગાંગુલી આખી રાત બાંસદ્રોણી પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠી હતી. વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો. દરમિયાન બંગાળ પોલીસે તેને કસ્ટડીમાં લીધી છે.
સવારે 10 વાગ્યે ધરપકડ કરવામાં આવી
ઉલ્લેખનિય છેકે, રૂપા ગાંગુલી ગઈકાલે રાતથી બાંસદ્રોણી પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહી હતી. રૂપાની પોલીસે આજે એટલે કે 3જી ઓક્ટોબરની સવારે ધરપકડ કરી હતી. બીજેપી કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર પોલીસે લગભગ 10 વાગ્યે રૂપાની અટકાયત કરી અને તેને લાલ બઝાર એક લાલ કારમાં લઈ ગઈ. રૂપાની બેગ પોલીસ સ્ટેશનમાં જ રહી ગઈ છે.
રૂપા ગાંગુલીએ શા માટે કર્યો વિરોધ?
બાંસદ્રોણીમાં થયેલા માર્ગ અકસ્માતને લઈને રૂપા ગાંગુલીએ પોલીસ સામે મોરચો ખોલ્યો હતો. રૂપાએ કહ્યું કે જ્યાં સુધી પોલીસ આરોપીને કસ્ટડીમાં નહીં લે ત્યાં સુધી તે પોલીસ સ્ટેશનની સામે બેસીને વિરોધ ચાલુ રાખશે. પોલીસે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેઓએ કોઈની વાત ન સાંભળી. રૂપા ગાંગુલી આખી રાત બાંસદ્રોણી પોલીસ સ્ટેશનના પરિસરમાં બેસીને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. વિરોધને રોકવા માટે પોલીસે તેની ધરપકડ કરી હતી.