સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં બે દિવસ અગાઉ વાઈરલ થયેલા વિડીયો બાદ વધુ એક રેગીંગનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયોને પણ સત્તાધીશોએ બર્થ ડે સેલિબ્રેશનની પરંપરા ગણાવી રેગીંગની ઘટનાને નકારી કાઢી છે.બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પટ્ટાથી મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.


આ વિડીયો એસવીએનઆઈટી કેમ્પસનો હોવાનો ખુલાસો થયો હતો

જોકે સૌથી શરમજનક બાબત એ હતી કે સમગ્ર દેશમાં રેગીંગના કડક કાયદાઓ છે ત્યારે પણ સંસ્થાના કેટલાક સત્તાધીશો આ ઘટનાને જન્મ દિવસની ઉજવણીની પરંપરા તરીકે બતાવવાનો નિર્દય પ્રયાસ કરી રહ્યાં છે. જેના બે દિવસ બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વિદ્યાર્થીને પીલર સાથે ઉભા રાખીને બરડાના ભાગે પટ્ટાથી મારતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પુરુ પાડવું એ સંસ્થાનું મુખ્ય કામ છે પણ જ્યાં સંસ્થાના સત્તાધીશો પોતે જ આ ઘટનાને સામાન્ય ગણાવવાનો પ્રયત્ન કરે છે, ત્યાં સ્પષ્ટ છે કે પ્રશાસન સંપૂર્ણરીતે નિષ્ફળ ગયું છે.

વિદ્યાર્થીને પીલર સાથે જકડીને પટ્ટાથી માર્યો

શુક્રવારે વાયરલ થયેલા વધુ એક વિડીયો બાસ્કેટ બોલ ગ્રાઉન્ડનો છે. જેમાં એક વિદ્યાર્થીને બાસ્કેચબોલના પીલર સાથે ઉભા રહેવા જણાવે છે. જ્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા તે વિદ્યાર્થીના હાથ પકડીને જકડી રાખવામાં આવે છે. ત્યારબાદ રેગિંગ કરનારો વિદ્યાર્થી પિડીત વિદ્યાર્થીને બેરહમીથી બરડાના ભાગે પટ્ટાથી પાંચથી છ વખત પ્રહાર કરે છે.

સમગ્ર મામલે ડિરેકટર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં

આ સમગ્ર ઘટનામાં એસવીએનઆઈટીના ડિરેકટર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. યુજીસીના નિયમ પ્રમાણે જો કોઈ વિદ્યાર્થીની ફરિયાદ ન મળે તો ડિરેકટરે ફરિયાદી બનીને FIR કરવાની હોય છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ સમગ્ર મામલે માત્ર તપાસ કમિટી બનાવી દેવામાં આવી છે.

વિધાર્થીઓની લડાઈમાં કેમ્પસની પ્રતિષ્ઠા દાવ પર

કેમ્પસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રથમ વિડીયોમાં દેખાઈ રહેલા બંને વિદ્યાર્થીઓ મિત્રો છે. જેમાં બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન આ વિડીયો લેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ આ ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર બર્થ ડે સેલિબ્રેશનના વિડીયોની નાની નાની ક્લિપ બનાવીને વાયરલ કરવામાં આવી છે. આ વિડીયોમાં રેગીંગ થતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જેના કારણે ૨૦૧૬માં સેકસ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાના ૮ વર્ષ બાદ ફરી એક વાર એસવીએનઆઈટીની પ્રતિષ્ઠા દાવ પર મુકાઈ છે.

યુજીસીના આ 5 નિયમોનો સરેઆમ ઉલ્લંઘન થયું, તેમ છતાં સત્તાધીશો માટે એક પરંપરા

01- ફ્રેશર અથવા અન્ય કોઈ વિદ્યાર્થીને શબ્દો અથવા લેખિત અથવા કોઈ એક્ટ થકી ચીડવવું તેમજ દુવ્યવ્હાર કરવો તે પણ રેગીંગ જ ગણાય

02-જુનિયરો તેમજ વિદ્યાર્થીઓમાં રોફ જમાવવા માટે જુનિયર અથવા અન્ય વિદ્યાર્થીને ફીઝીકલ કે સાયકોલોજીકલ નુકશાન પહોંચાડવું

03-વિદ્યાર્થીને તેની મરજીની વિરુધ્ધ કામ કરાવવું. જેનાથી વિદ્યાર્થી શરમમાં મૂકાય હોય કે યાતના થઇ હોય તેમજ અકળામણ અનુભવતો હોય.

04-શારીરીક રીતે નુકશાન પહોંચાડવું, જેનાથી વિદ્યાર્થીની હેલ્થમાં તકલીફ પડી શકે તેમ હોય એ રેગિંગની વ્યાખ્યામાં આવે છે.

05-શાબ્દિક, મેઈલ, પોસ્ટ, તેમજ જાહેર અપમાનની કોઈ પ્રવૃત્તિ કરવી તેમજ તેમા સામેલ થવું પણ રેગિંગનો એક ભાગ છે.

 

  • Follow us on: