આયુષની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયુ અને દિર્ધાયુ પ્રાપ્ત થાય તે હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશથી જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને “આયુષ મેળા”નું આયોજન કરવામાં આવ્યુ છે.
તમામ રોગોની સારવાર મળી રહે
જિલ્લા આયુષ તંત્ર દ્વારા તા.૧૭/૦૧/૨૦૨૫, શુક્રવારનાં રોજ સર જે. હાઈસ્કુલ, તપસ્વી ચોક, રેલ્વે સ્ટેશન રોડ, લીંબડી ખાતે સવારે ૦૯:૩૦ થી ૦૪:૦૦ કલાક દરમિયાન આયુષ મેળો યોજાશે.આ આયુષ મેળામાં આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમકે, દિનચર્યા, ઋતુચર્યા, રસોડા/આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતું પ્રદર્શન, નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પધ્ધતિથી નિદાન તથા સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ (કમર, ઘુંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર), આયુર્વેદની વિશેષતા એવી જાલંધર બંધ દ્વારા હલતા દાંત દુ:ખાવા વિના પાડવાની સારવાર મળી રહેશે.
આયુષ ગેમ ઝોનનું પણ આયોજન
તદુપરાંત પ્રકૃતિ પરિક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા - સુવર્ણ પ્રાશન (૦ થી ૧૨ વર્ષના બાળકોને), તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન, સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન, હર્બલ ટી વિતરણ તથા આયુષ ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવનાર છે.
તમામ નાગરિકો લાભ મેળવે તેનું આયોજન
જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલનાં વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવનાર આ આયુષ મેળામાં અતિથી વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, સર્વે ધારાસભ્યો કિરીટસિંહ રાણા,શામજીભાઈ ચૌહાણ,પરષોત્તમભાઈ પરમાર,પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર કેયુર સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ એમ.તન્ના, કારોબારી સમિતિ ચેરમેન જસુભા સોલંકી, આરોગ્ય સમિતિ ચેરમેન મંછીબેન એન.ઈલોરીયા, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરપાલસિંહ રાણા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મનોજકુમાર એ. તારવાણીની યાદીમાં જણાવાયું છે. આ આયુષ કેમ્પની વિવિધ સેવાઓનો લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત તેમજ આયુષ વિભાગ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.