બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બુથ નંબર ૧ થી ૩ ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે. મતદાર સહાયતા બુથ પર મતદારોને મતદાર ક્રમાંક અને બુથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી.
રૂણી ગામમાં પણ લોકોમાં ઉત્સાહ
રૂણી ગામના યુવાથી લઈને વૃધ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ૨૦ વર્ષીય યુવા મતદાર સોનલબેનએ ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી. આ ગામના ૮૦ વર્ષીય દલીબેનએ પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સંયુકત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છીએ તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
ઉમેદવારી પત્રો ભરાયા
વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ.ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.મતગણતરી 23 નવેમ્બરના રોજ કરવામાં આવશે.