• બહેન અને આરોપી વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલે છે ખટરાગ
  • કચ્છના આદિપુરમાં ચાચરવાડી વિસ્તારમાં બની હત્યાની ઘટના
  • હત્યા કરી આરોપી થયો ફરાર

છેલ્લા છ માસથી રીસામણે બેઠેલ બહેનના પારિવારિક રકઝક મુદ્દે બનેવીએ મધરાત્રે નિંદ્રાધીન સાળાના માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. કચ્છના આદિપુરના ચારવાડી વિસ્તારમાં બનેલ બનાવ બાદ આદિપુર પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યુ હતુ અને હત્યા કરી ફરાર થયેલ હત્યારાની શોધખોળ આદરી હતી.

હત્યાથી મચ્યો હાહાકાર

આદિપુરમાં મધરાત્રે બનેવીએ નિદ્રાધીન સાળાના માથામાં કુહાડી ઝીંકી માથું ફાડી નાખીને ઘાતકી હત્યા કરી છે. બનાવના પગલે દોડતી થયેલી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે. ઘરકંકાસમાં પત્ની છ એક માસથી માવતરે રીસામણે બેઠેલી હોઈ તેની અદાવતમાં ઉશ્કેરાયેલાં પતિએ સાળાની હત્યા કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. મરણ જનાર પરેશ મોહનભાઈ ચુણા (મહેશ્વરી) (ઉ.વ. ૨૧) આદિપુર ચારવાળીમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.

શાકભાજીનો વ્યવસાય કરતો હતો મૃતક

પરેશ શાકભાજીનો વ્યવસાય કરતો હતો અને તેના માતા, પિતા, બે ભાઈઓ નજીકની બારવાળીમાં રહે છે. પરેશની મોટી બહેન જમનાના લગ્ન મૂળ મથડાના વતની અને હાલે ગાંધીધામ સુંદરપુરી, નવરાત્રિ ચોકમાં રહેતા ભાણજી નારાણભાઈ ધુવા સાથે થયેલાં છે. ભાણજી જોડે ઘરકંકાસ રહેતો હોઈ જમના છેલ્લાં છ માસથી રીસામણે માવતરે બેઠેલી છે.ગત રાત્રે મરણ જનાર પરેશ જમી પરવારીને પત્ની જોડે આંગણામાં જમીન પર સૂતો હતો ત્યારે મધરાત્રે ત્રણ સવા ત્રણના અરસામાં વંડી ટપીને ભાણજી અંદર ઘૂસ્યો હતો અને નિદ્રાધીન પરેશના માથામાં કુહાડી ઝીંકી તેનું માથું ફાડી નાખ્યું હતું.

છરી લઈ ધમકી આપી

બનાવ સમયે પરેશની પત્ની અનામિકા જાગી જતાં ભાણજીએ તેના બીજા હાથમાં રહેલી છરી બતાડી તેને ધમકી આપી હતી કે હવે તને પણ મારી નાખીશ અને બીજા ત્રણને પણ મારી નાખીશ. ત્યારબાદ દિવાલ કૂદીને તે નાસી ગયો હતો. બનાવના પગલે અનામિકાએ તુરંત બાજુમાં રહેતાં સાસુ-સસરાને જાણ કરેલી. પરિવારજનો ગંભીર હાલતમાં રહેલાં પરેશને ૧૦૮ મારફતે રામબાગ હોસ્પિટલે લઈ ગયાં હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે આદિપુર પીએસઆઈ ભાવેશ ડાંગરે ભાણજી વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથધરી છે.