ભાવનગરના વલ્લભીપુરની સરકારી કચેરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે આવેલી પેટા તીજોરી વિભાગમાં ભયંકર આગ લાગી છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે સરકારી કચેરીમાં આગ લાગી છે. પેટા તિજોરી કચેરીમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હોવાથી તાત્કાલિક આગ પર કાબુ ના મેળવી શકાયો અને પેટા તિજોરીમાં આવેલા જરૂરી અગત્યના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે.


મામલતદાર પણ આગની ઘટના બાદ ઘટના સ્થળ પર પહોંચ્યા

તમને જણાવી દઈએ કે આગની ઘટના અંગેની જાણકારી વલ્લભીપુર ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો છે. પેટા તિજોરી અધિકારી તેમજ મામલતદાર પણ આગની ઘટના બાદ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. જો કે આ બાબતે મામલતદારને પૂછતા કંઈ પણ બોલવાનો તેમને ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે રે રાજ્યમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ તેમજ તક્ષશિલા અગ્નિકાંડ સુરત બાદ પણ તંત્રની આંખો હજુ પણ ખુલ્લી રહી નથી અને ફાયર સેફ્ટી વગર સરકારી કચેરીઓ ધમધમી રહી છે.

નડિયાદ-મહેમદાવાદ રોડ પર પેપર મિલમાં લાગી ભીષણ આગ

બીજી તરફ નડિયાદ મહેમદાવાદ રોડ પર આવેલા વરસોલા ગામની પેપર મીલમાં આગ લાગી છે. વરસોલાથી સમસ્તીપુર જવાના રસ્તા ઉપર આવેલી પેપર મીલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. શ્રી નારાયણ પેપર મીલમાં આગે વિકરાળ સ્વરૂપ લીધું છે. 2-3 કિલોમીટર દુરથી જ આગના ધુમાડા જોઈ શકાય છે. આ આગની ઘટનામાં ઘણી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. શ્રી નારાયણ પેપર મીલમાં આગની ઘટના બનતા જ નડિયાદની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુજાવવાની કામગીરીમાં જોડાઈ છે. નડિયાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જાતે વરસોલા પહોંચ્યા છે અને ઘટના સ્થળની મુલાકાત લીધી છે. આગની ઘટનામાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ આગમાં લપેટાઈ ગયો છે અને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


  • Follow us on: