ભુજ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલ અને વર્ષ ૨૦૨૫-૨૬નાં રૂ. ૨૨.૧૯ અબજનાં બજેટને બહાલી આપવામાં આવી હતી, જેમાંથી રૂ. ૧૫.૫૬ અબજનો ખર્ચ અંદાજવાની સાથે રૂ. ૬.૬૨ અબજની પુરાંત દર્શાવવામાં આવી છે. જ્યારે સ્વભંડોળ, સ્ટેમ્પ ડયૂટી અને રોયલ્ટીની રૂ. ૧.૨૧ અબજની આવકમાંથી વિવિધ વિભાગોમાં રૂ. ૪૧.૬૦ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું.


વધુમાં તેમણે સ્વભંડોળમાંથી રૂ. ૨૯.૬૫ કરોડ, સ્ટેમ્પ ડયૂટીમાંથી રૂ. ૫.૭૪ કરોડ અને રોયલ્ટીમાંથી ૬.૨૦ કરોડ મળીને કુલ રૂ. ૪૧.૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આજની સામાન્ય સભામાં બજેટની સાથે સાથે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના વર્ષ ૨૦૨૫-૨૬નાં લેબર બજેટને પણ મંજૂર કરવામાં આવ્યં હતું. આ સિવાય સ્ટેમ્પ ડયૂટી, રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલા કામોમાં સૂચિત ફેરફાર બાદનાં કામોને બહાલી આપવાની સાથે ૧૫મા નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ની જિલ્લા વિકાસ યોજનનાનાં કામોનાં આયોજનને પણ બહાલી આપવામાં આવી હતી.

ભુજ જિલ્લામાં બજેટની વિભાગવાઇઝ કરાયેલી જોગવાઇઓ

સામાન્ય વહીવટ-રૂ. ૧.૦૧ કરોડ, વિકાસ-પંચાયત અને મહેકમ - રૂ. ૫૯.૪૫ લાખ, શિક્ષણ ક્ષેત્રે-રૂ. ૪.૨૩ કરોડ, આયુર્વેદ ક્ષેત્રે-રૂ. ૧ લાખ, આરોગ્ય ક્ષેત્રે-રૂ. ૬.૮૦ લાખ, ખેતી ક્ષેત્રે-રૂ. ૭.૩૦ લાખ, પશુપાલન ક્ષેત્રે-રૂ. ૯.૪૦ લાખ,આંકડા ક્ષેત્રે-રૂ. ૧.૫૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે-રૂ. ૩.૭૦ લાખ,ગ્રામ્ય નાના ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રે-રૂ. ૨૫ હજાર, કુદરતી આફત ક્ષેત્રે-રૂ. ૧.૫૦ લાખ, સિંચાઇ ક્ષેત્રે-રૂ. ૫ લાખ, બાંધકામ ક્ષેત્રે-રૂ.૨.૪૦ કરોડ, આઇસીડીએસ ક્ષેત્રે-રૂ. ૫ લાખ, તાલુકાઓની ફાળવણી-રૂ ૨૨.૯૦ કરોડ, રોયલ્ટી ગ્રાન્ટ પૈકી વિકાસ કામો માટે-રૂ. ૨ કરોડ, જિલ્લા વિકાસ કાર્ય માટે-રૂ. ૧.૫૦ કરોડ, કુલઈંરૂ. ૪૧.૬૦ કરોડ,  રૂ. ૬.૬૨ અબજની પુરાંતવાળંુ બજેટ, ઉઘડતી સિલક-રૂ. ૬.૪૮ અબજ, વર્ષ દરમ્યાન થનારી આવક-રૂ. ૧૫.૭૦ અબજ, વર્ષ દરમ્યાન થનારો ખર્ચ-રૂ. ૧૫.૫૬ અબજ, અંદાજિત બંધ સિલક-રૂ. ૬.૬૨ અબજ થઈ. 

જિ.પં.પ્રમુખ, ડીડીઓ તથા સ્ટાફનાં ક્વાર્ટર્સ નવા બનાવાશે

જિલ્લા પંચાયત ખાતે આવેલા પ્રમુખનાં ક્વાર્ટર, જિલ્લા વિકાસ અધિકારનાં ક્વાર્ટર્સ અને વર્ગ ૧,૩ અને ૪નાં સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષો જૂના હોઈ જર્જરિત હાલતમાં છે. આ બિનરહેણાક ક્વાર્ટર્સાનાં નવીનીકરણ માટે વિકાસ કમિશનરમાં દરખાસ્ત કરવાનો ઠરાવ સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પરિસરમાં જિલ્લા પંચાયત પ્રમુખ,ડીડીઓ તથા સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત હોઈ તેને વપરાશમાં લઇ શકાય તેમ ન હોઈ તેની બાજુમાં ઉપલબ્ધ જગ્યા ઉપર નવા બનાવવામાં આવશે.

કાર્યપાલક ઇજનેર, ડીડીઓ, કા.સમિતિ પણ ખર્ચ કરી શકશે

જિલ્લા પંચાયતનાં સ્વભંડોળમાંથી નાણાકીય ખર્ચ મંજૂરી અંગેની સત્તા હાલે કારોબારી સમિતિની મંજૂુરી મેળવીને ખર્ચ કરવાની જોગવાઇ છે, પરંતુ હાલના વધતા જતા ભાવો નજરે વહીવટી સરળતા અર્થે નાણાકીય ખર્ચ મંજૂરીની સત્તાની મર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે બાંધકામ વિભાગનાં કાર્યપાલક ઇજનેર રૂ. ૧ લાખ સુધીની મર્યાદામાં, જિલ્લા વિકાસ અધિકારી રૂ. ૨ લાખની મર્યાદામાં અને કારોબારી સમિતિ રૂ. ૨ લાખથી ઉપરની રકમનો સ્વભંડોળમાંથી ખર્ચ કરી શકશે.

શિક્ષકોની ઘટનાં પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવા બદલ આભાર ઠરાવ

કચ્છમાં શિક્ષકોની ઘટનાં પ્રાણ પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવાનો સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ૪,૧૦૦ જેટલા સ્થાનિક શિક્ષકોની ભરતી ત્યાં નિવૃત્તિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાએ લીધેલા નિર્ણયને આવકારી આભાર વ્યક્ત કરાયો હતો. આ સિવાય રજૂઆત કરવામાં સહભાગી થતાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિ.પં. પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, અનિરુદ્ધભાઇ દવે, ત્રિકમભાઇ છાંગા, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજાનો પણ આભાર માનતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

મેઘપર(બો)નું પ્રા.આ.કેન્દ્ર વરસામેડી ખસેડવાનો ઠરાવ પસાર કરાયો

ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થતાં મેઘપર( બોરીચી)નો ૧૦૦ ટકા વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવેશ થતાં અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અંજાર તાલુકાનાં વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા વરસામેડી ગામે શિફ્ટ કરવાનો નિર્ણય કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ સિવાય પાંચ પેટા આરોગ્ય કેન્દ્રને પણ શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં બાગેશ્રાી, શાંતિધામ, મારીંગણા, પાંતિયા અને ભલોટનો સમાવેશ થાય છે.

એક રાષ્ટ્ર, એક ચૂંટણીનાં પ્રસ્તાવને જિ.પંચાયત દ્વારા સમર્થન અપાયું

એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પગલુ ભારતની લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે. તેનાથી ન માત્ર સરકારનાં કામકાજમાં નિરંતરતા આવશે પણ રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતા પણ સુદ્રઢ થશે. વહીવટી ખર્ચ અને ચૂટણી ખર્ચમાં ઘટાડો થશે. સુરક્ષાબળો, શિક્ષકો, વહીવટી અધિકારીઓને ચૂંટણી ડયૂટીમાંથી મુક્ત કરી શકાશે. આથી આ પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન સાથે તેના અમલીકરણની દિશામાં નક્કર પગલાં લેવાની ભલામણ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

  • Follow us on: