કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. સ્મૃતિવન મ્યૂઝિયમ પરિસરમાં, ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ. અનુપમ આનંદે રાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ તકે રાષ્ટ્રપતિએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
રાષ્ટ્રપતિએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી. જેમાં જીવનની ઉત્પતિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા. આ તકે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ ૨૦૦૧માં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સંસ્મરણોના વીડિયો પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિહાળ્યા હતા.આ તકે રાષ્ટ્રપતિએ "આશાનું ગીત" રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.













