બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ સાથે લોકો જોડાયેલા છે. જિલ્લામાં આશરે 1200થી વધુ કારખાનામાં 70,000 લોકો રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને હીરા ઉદ્યોગ સાથે કામ કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. ત્યારે હીરા ઉદ્યોગમાં છેલ્લા 2.5 વર્ષથી સતત મંદીનો માહોલ છે.


ડાયમંડ એસોસિએશન 65 લાખના ખર્ચે કરશે મદદ

જેમાં દિન પ્રતિદિન મંદીમાં વધારો થતો જોવા મળે છે, ત્યારે હાલમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક લોકોએ ધંધો બદલી અન્ય ધંધામાં જોડાયા છે તો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા એવા પરિવાર કે જે ખુબ જ જરૂરિયાત વાળા છે. તેવા પરિવારની મદદ માટે જેમ્સ એન્ડ જવેલર્સ મુંબઈ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન વ્હારે આવશે, જેમાં જેમ્સ એન્ડ જવેલર્સ દ્વારા 50 લાખ તો બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 15 લાખ મળી કુલ 65 લાખના ખર્ચે ખુબ જ જરૂરિયાત એવા કોઈ વિધવા મહિલા હોય કે કોઈ માતા પિતા વગરની દીકરી કે અન્ય કોઈ જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય તેવા લોકોને આવતા દિવસોમાં રાશન કીટ આપવા માટે આયોજન બેઠક બોલાવવામાં આવી છે.

રાશન કીટનું વિતરણ રત્ન કલાકારોને કરવામાં આવશે

જેમાં ડાયમંડ એસોસિએશન પ્રમુખ દ્વારા કારખાના માલિકોને આગામી તારીખ 4 જાન્યુઆરી 2025 સુધીમાં પોતાના કારખાનામાં કામ કરતા જરૂરિયાત મંદ લોકોની યાદી પહોંચડાવવા માટે જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ આવનાર યાદી મુજબ રાશન કીટ વિતરણ કરી રત્ન કલાકારોને મદદ કરવામાં આવશે. ડાયમંડ ઉદ્યોગમાં ચાલતી સતત મંદીના કારણે હાલ કારખાના માલિકો પણ ચિંતાના માહોલમાં છે.

સરકાર આર્થિક મદદ કરે તેવી માગ

આગામી દિવસોમાં સરકાર દ્વારા વીજ યુનિટમાં રાહત આપવામાં આવે, તેમજ સરકાર દ્વારા રત્ન કલાકારોને રાહત આપી એકાઉન્ટમાં રૂપિયા આપે તેવી મીડિયા સમક્ષ રજુઆત કરી છે. તેમજ કારખાનાના માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત મંદીના કારણે અન્ય ધંધા પર પણ મોટી અસર પડે છે. ત્યારે સરકાર દ્વારા હીરાના કાચા મટિરિયેલ પર ટેક્સમાં રાહત આપે તો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી બહાર આવી શકે તેવી મીડિયા સમક્ષ વાતચીત કરી છે.


  • Follow us on: