અમદાવાદને હચમચાવી દેનારા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે આ ચકચારી કેસમાં સુનાવણી પૂર્ણ કરીને નીચલી અદાલત એટલે કે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અગાઉના ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખ્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદા સામે કરવામાં આવેલી તમામ 3 કાનૂની અરજીઓને પણ આકરી રીતે ફગાવી દીધી છે.
આશ્રિત પરિવારોને 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટે પીડિતો અને તેમના પરિવારો માટે વળતરની પણ જાહેરાત કરી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા મૃતકોના આશ્રિત પરિવારોને 10 લાખનું વળતર ચૂકવવામાં આવે. જ્યારે બ્લાસ્ટની ઘટનામાં ગંભીર કે સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 1 લાખનું આર્થિક વળતર આપવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. 2008ના આ આતંકી હુમલાના પીડિતોને વર્ષો બાદ પણ ન્યાય મળવાની દિશામાં આ ચુકાદાને અત્યંત મહત્વનો ગણવામાં આવી રહ્યો છે.
38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા પર આખરી નિર્ણય
આ ચુકાદો એટલા માટે ઐતિહાસિક છે કારણ કે નીચલી અદાલતે (સ્પેશિયલ કોર્ટે) આ કેસમાં અભૂતપૂર્વ ચુકાદો આપતા 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ, ફાંસીની સજાની પુષ્ટિ માટે આ મામલો હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો, જેના પર લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આજે અંતિમ નિર્ણય આવ્યો છે.
ડે-ટુ-ડે સુનાવણી બાદ દલીલો પૂર્ણ
ગુજરાત હાઈકોર્ટમાં આ સંવેદનશીલ કેસની ગંભીરતાને જોતા 'ડે-ટુ-ડે' (રોજિંદી) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લાંબી ચર્ચા-વિચારણા બાદ બચાવ પક્ષ અને સરકારી પક્ષ સહિત તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને અદાલતે ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર થશે.
17 મિનિટની અંદર અલગ-અલગ જગ્યાએ 21 બોમ્બ ધડાકા
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં 17 મિનિટની અંદર અલગ-અલગ જગ્યાએ 21 બોમ્બ ધડાકા થયા હતા. આ આતંકી હુમલામાં 57 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 244 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો--- Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!
