અમદાવાદ શહેરમાં આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એવા પાલડી, વાસણા, એલિસબ્રિજ સહિતના અનેક વિસ્તારોમાં કાળાડીબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

પાલડી વિસ્તારમાં પવનના જોરદાર સપાટા સાથે ધોધમાર વરસાદ વરસતાં થોડી જ વારમાં માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. દિવસ દરમિયાન અનુભવાતા અસહ્ય ઉકળાટ બાદ અચાનક શરૂ થયેલા વરસાદથી વાહનચાલકો અને રાહદારીઓ થોડીવાર માટે થંભી ગયા હતા, પરંતુ વરસાદી માહોલથી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.શહેરીજનો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા હતા. આજે બપોર પછી ગાજવીજ સાથે પડેલા આ વરસાદી ઝાપટાંને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.વસ્ત્રાપુર, ગુરુકુળમાં ધોધમાર વરસાદ,ભારે પવન સાથે ધોધમાર વરસાદ,વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.

બફારા અને ગરમીથી અમદાવાદીઓને મળી રાહત

વરસાદ પડાતા જ નાના બાળકો અને યુવાનોએ વરસાદી મોસમનો આનંદ માણ્યો હતો. તો બીજી તરફ, વરસાદના કારણે શહેરના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહન વ્યવહાર ધીમો પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.