ગુજરાતી સાહિત્યના આકાશમાં પોતાની આગવી અને અમીટ ઓળખ ઊભી કરનાર સુપ્રસિદ્ધ 'ઋષિકવિ' રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. શબ્દો અને સર્જનની એક ઐતિહાસિક અને સમૃદ્ધ વિરાસત પાછળ મૂકી જનાર રાજેન્દ્ર શુક્લની ચિરવિદાયથી ગુજરાતી ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર સાહિત્ય જગત અને ચાહકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
રાજેન્દ્ર શુક્લએ શબ્દોને માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નહીં, પરંતુ આત્માની ગહન અનુભૂતિ બનાવીને પોતાની લાંબી સર્જનયાત્રા દરમિયાન ગુજરાતી ભાષાને અનેક યાદગાર અને કાળજયી રચનાઓ આપી છે. તેમની કવિતાઓ અને ગઝલોમાં આધ્યાત્મિક ચિંતન, પ્રકૃતિનો નાદ, માનવીય સંવેદના અને જીવનના ગૂઢ અર્થોનો એક અનોખો અને અદભુત સમન્વય જોવા મળતો હતો.
સાંજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે
ગુજરાતી ભાષા અને કાવ્ય વિશ્વને સમૃદ્ધ કરનાર આ મહાન સર્જકની વિદાયથી સાહિત્યપ્રેમીઓને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. મળતી વિગતો અનુસાર, આજે સાંજે અમદાવાદ ખાતે તેમની અંતિમ યાત્રા નીકળશે, જેમાં સાહિત્યકારો, કવિઓ અને પરિવારજનો જોડાઈને ઋષિકવિને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.