સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મુસાફરો ભરેલી એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. હિંમતનગરના સાબરદાણ નજીક ઉદેપુરથી અમદાવાદ તરફ જઈ રહેલી આ ખાનગી બસ આગની લપેટમાં આવી જતાં હાઈવે પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

ખાનગી બસમાં અચાનક ભીષણ આગ

મળતી વિગતો અનુસાર, ઉદેપુરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસ હિંમતનગરના સાબરદાણ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ચાલક અને મુસાફરોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસ થંભાવી દીધી હતી અને તમામ મુસાફરો પોતાના સામાન સાથે સુરક્ષિત રીતે બસમાંથી બહાર નીકળી ગયા હતા. મુસાફરો સમયસર નીચે ઉતરી જતાં એક મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

ફાયર વિભાગની બે ટીમોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની બે ફાયર ફાઈટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ બસમાં લાગેલી ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. હાઈવે પર બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: Jasdan: કુંવરજીભાઈ ભાજપમાં જઈને મૂંગા થઈ ગયા, દીકરીને ચૂંટણી લડાવી પરિણામ જોઈ લીધું, હવે દીકરાને પણ ટિકિટ આપી અજમાવી જોવે-કોંગ્રેસ