અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો એક કેસ સામે આવતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્રણ દિવસ પહેલાં લેવામાં આવેલા દર્દીના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક તપાસ, સર્વેલન્સ અને જરૂરી નિવારક પગલાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ચાંદખેડામાં રહેતા બાળકનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે. ત્રણ દિવસ પહેલા મુળ દાહોદના અને ચાંદખેડામાં રહેતા એક ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ચાંદીપુરા વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન
ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં આરોગ્ય વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ છે. સેન્ડ ફ્લાય માખી દૂર કરવા સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 63 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં હાલમાં કૂલ 12 પોઝિટિવ કેસ છે અને આઠ દર્દીઓના મોત થયાં છે. હજી આઠ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. બે બાળકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે
ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય (Sandfly) નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે.આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.
આ ચેપી રોગનાં લક્ષણો
આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી,શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે.આ લક્ષણો એટલા ઝડપી અને ઘાતક હોય છે કે જો આવા લક્ષણો દેખાયાના 24થી 48 કલાકની અંદર તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.
કેવી સાવચેતી રાખવી ?
ઘરની અંદર અને બહારની દીવાલોની તિરાડો અને છિદ્રોને સિમેન્ટ કે માટીથી પૂરી દેવા.
ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરો.
15 વર્ષ સુધીના બાળકોને રાત્રે અને સૂતી વખતે જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવો.
જો બાળકને તાવ, ઉલ્ટી, ખેંચ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલ/ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા.
આરોગ્ય તંત્રની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક પ્રક્રિયા હેઠળ ઘરોમાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરવું.
કઇ કઇ બાબતો ટાળવી ?
બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ/માટીમાં રમવા દેવા નહીં.
ચેપ ફેલાવતી માખીઓ આ જગ્યાઓએ વધુ સક્રિય હોય છે.
ઘરની આસપાસ કચરો કે ભેજ થવા દેવો નહીં.
લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય બિલકુલ બગાડવો નહીં.
આ પણ વાંચોઃ દિલ્હી-દમણ ફ્લાઈટનું Ahmedabad Airport પર ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચોઃ દિલ્હી-દમણ ફ્લાઈટનું Ahmedabad Airport પર ઈમરજન્સી લેન્ડિંગ
