ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરામાં એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના જરોદ વિસ્તારમાંથી ઝડપાયેલા મૂળ આસામના આ શખ્સ પાસેથી ઘાતક ઓટોમેટિક હથિયાર AK-47 અને 23 જીવતા કારતુસ કબ્જે કરવામાં આવતા સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે.

વડોદરામાં જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકીની ધરપકડ

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત ATSને મળેલી ચોક્કસ માહિતીના આધારે વડોદરાના જરોદ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,ATSની ટીમે જરોદ બસ સ્ટેન્ડ પાસેથી વોચ ગોઠવીને મૂળ આસામના એક આરોપીની ધરપકડ કરી છે.ઝડપાયેલો શખ્સ કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.તપાસ દરમિયાન આરોપી પાસેથી અત્યંત ઘાતક ઓટોમેટિક હથિયાર AK-47 અને 23 જીવતા કારતુસ મળી આવ્યા છે, જેને ATSએ કબ્જે લીધા છે.

પૂછપરછમાં આતંકી કનેક્શન અને હથિયારના ઉપયોગ અંગે થઈ શકે છે મોટા ખુલાસા

ગુજરાત ATS દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપી આ ઘાતક હથિયાર ક્યાંથી લાવ્યો હતો, વડોદરામાં કોને આપવાનો હતો અને આ હથિયારનો કયા હેતુથી ઉપયોગ થવાનો હતો તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે. ATSની આકરી પૂછપરછમાં આગામી કલાકોમાં આતંકી કનેક્શન અને હથિયાર અંગે મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.