પીએમ નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે અંબાજી માતાજીના મંદિરે દર્શન અને પૂજા કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં ભીડ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દર્શનાર્થીઓને કોઇ તકલીફ ના પડે તે માટે કાર્યક્રમ રદ કરાયો હોવાનું જાણવા મળે છે
અમદાવાદથી ગાંધીનગર જશે પીએમ મોદી
નવા કાર્યક્રમ મુજબ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. અંબાજી મંદિર ખાતે દર્શન અને પૂજાનો અગાઉ નક્કી કરાયેલો કાર્યક્રમ હવે રદ થયો છે.
PM મોદીની મંત્રીઓ સાથે ડિનર ડિપ્લોમસી, મુખ્યમંત્રી નિવાસસ્થાને કરશે ભોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના મંત્રીઓ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાનારા ભોજન કાર્યક્રમમાં રાજ્યના તમામ મંત્રીઓ ઉપરાંત ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પણ હાજર રહેશે. અંબાજી જવાનો કાર્યક્રમ મોકૂફ રહ્યા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા લોકભવન જવા રવાના થશે.
વેકેશનને કારણે દર્શનાર્થીઓનો ધસારો
હાલ વેકેશનના કારણે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. આજે પણ મંદિરમાં દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શનિવારે લાભ પાંચમના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.
દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે નિર્ણય
લાભ પાંચમના દિવસે ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની અંબાજી મુલાકાત રદ કરવામાં આવી છે. દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
