બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખરોડીયા પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. વડગામ તરફથી આવી રહેલી એક રીક્ષા અને બસ વચ્ચે ખરોડિયા નજીક સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ
અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સાથે અથડાયા બાદ રીક્ષાનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક 108 મારફતે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ માર્ગ પર અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને ખુલ્લો કરાવી પોલીસે ગુનો નોંધી અકસ્માતના સાચા કારણો અને જવાબદારો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
