સુરતના બહુચર્ચિત 'નક્ષત્ર સેફ વોલ્ટ' કૌભાંડમાં દિન-પ્રતિદિન નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન વધુ ત્રણ વ્યક્તિઓના કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાની હકીકત સામે આવી છે. પીડિત ગ્રાહકોના આક્ષેપ મુજબ, વોલ્ટમાંથી અંદાજે રૂ. 78 લાખની મત્તાના દાગીના ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ નવા ખુલાસાને પગલે સેફ વોલ્ટમાં વિશ્વાસ રાખીને કિંમતી સામાન મુકનાર અન્ય ગ્રાહકોમાં પણ ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

સટ્ટામાં નુકસાન પૂરવા લોકર તોડ્યા!

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગુના પાછળનું મુખ્ય કારણ સટ્ટાખોરી હોવાનું બહાર આવ્યું છે. સટ્ટામાં થયેલા ભયંકર આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે આરોપીઓએ ગ્રાહકોની થાપણો પર જ ડોળો નાખ્યો હતો. ચોંકાવનારી વિગત એ છે કે, લોકર તોડવા માટે ખાસ માણસો રાખવામાં આવ્યા હતા અને એક લોકર તોડવાના રૂ. 1200 ચૂકવવામાં આવતા હતા. કિંમતી દાગીના ચોરી કરીને બારોબાર વેચી દેવાનો આખો કાળો કારોબાર ચાલી રહ્યો હતો.

માલિક સહિત 4 આરોપી રિમાન્ડ પર, સોની પણ ઝડપાયો

આ કૌભાંડમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સેફ વોલ્ટના માલિક સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમને અદાલતે એક દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. આ સિવાય ચોરીનું ગેરકાયદેસર સોનું ખરીદનાર સોનીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : ગુજરાત માથે 4-4 સિસ્ટમ સક્રિય, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે રાજ્યભરમાં મેઘતાંડવની મોટી આગાહી!