ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા દહેજ GIDCમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દહેજ GIDCમાં આવેલી એક અગ્રણી કંપનીમાં વહેલી સવારે અચાનક ભયંકર આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉત્પાદન પ્રોસેસ દરમિયાન એકાએક ફાટી નીકળેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
દહેજ સ્થિત 'વિઝન પ્રોડક્ટ્સ' કંપનીમાં આગ
દહેજ સ્થિત 'વિઝન પ્રોડક્ટ્સ' કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ છે. કંપનીના વેરહાઉસમાં કોઈ કારણોસર આગ લાગ્યા બાદ જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક છે કે તેની ઊંચી અગનજ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
કાળા ડીબંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા
આગ એટલી વિકરાળ હતી કે કંપની પરિસરમાંથી કાળા ડીબંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટના અંગે સ્થાનિકો અને કંપનીના સુરક્ષાકર્મીઓ દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દહેજ અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
આગની જાણ થતાં જ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના ભગીરથ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે. પોલીસ કાફલાએ સુરક્ષાના ભાગરૂપે કંપનીની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે.
યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવી છે. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વેરહાઉસમાં કયો માલસામાન રાખેલો હતો અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન
